દેશમાં કોરોના વાયરસના કેસ એક વખત ફરી વધી રહ્યા છે. પંજાબના પટિયાલાની નેશનલ લો યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારબાદ કેમ્પસને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને તા.10 મે સુધીમાં હોસ્ટેલ ખાલી કરવા માટે જણાવ્યું છે જેથી સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય. જે વિદ્યાર્થીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓમાં હળવા લક્ષણો છે અને તેમને અલગ બ્લોકમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, યુનિવર્સિટીમાં છેલ્લા 4 ચાર દિવસમાં આ કેસ નોંધાયા છે. આરોગ્ય અધિકારીઓએ યુનિવર્સિટીની મુલાકાત લઈને પરિસ્થિતિની માહિતી મેળવી હતી અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં સંક્રમણના કેસ વધી શકે છે. ફરી એક વખત કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. એક્ટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 3,275 નવા કેસ નોંધાયા છે અને 55 દર્દીઓના મૃત્યુ થયા છે.
IIT મદ્રાસમાં પણ કોરોના વાયરસનો કહેર
તાજેતરમાં જ IIT મદ્રાસમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળ્યો હતો. 180થી વધુ વિદ્યાર્થીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે, જો તેમનામાં કોરોના જેવા લક્ષણો લાગે તો તેઓએ તેની તપાસ કરાવવી જોઈએ. સાથે જ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત કોવિડ-19ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા માટે કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500