Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર, ચાર બાંગ્લાદેશીઓ ઝડપાયા

  • May 22, 2023 

ગુજરાત એટીએસએ રથયાત્રા પહેલાં જ બોગસ આઈડી પ્રુફથી અમદાવાદમાં રહીને આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર પ્રસાર કરતાં ચાર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. તે ઉપરાંત અન્ય કેટલાક આરોપીઓ એટીએસની કસ્ટડીમાં હોવાની વિગતો પણ સામે આવી છે. બાંગ્લાદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના આદેશથી ગુજરાતના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર ચાલતું હતું. તે ઉપરાંત આતંકવાદ માટે વિદેશમાંથી ભંડોળ એકત્ર કરવાના પણ કેટલાક પુરાવા એટીએસના હાથે લાગ્યા હોવાની માહિતી મળી છે.


રથયાત્રા પહેલાં જ આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ એટીએસએ આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે, સોજીબમીયાં, આકાશખાન, મુન્નાખાન અને અબ્દુલ લતિફ નામના બાંગ્લાદેશી માણસો ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી બોગસ આઈડી પ્રુફ બનાવી હાલમાં અમદાવાદના ઓઢવ અને નારોલ વિસ્તારમાં રહે છે.


આ ચારેય ઈસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા છે. તેઓ મુસ્લિમ યુવાનોને અલકાયદામાં જોડાવા પ્રેરિત કરે છે. તેમજ અલકાયદા તન્ઝીમનો ફેલાવો કરવા માટે ફંડ ઉઘરાવી તેના આગેવાનોને પહોંચાડે છે. આ ઈનપુટના આધારે ગુજરાત એટીએસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને મોહમ્મદ સોજીબમીયાં અહેમદઅલીની પુછપરછ કરવામાં આવી હતી.


એટીએસ દ્વારા કરાયેલી પુછપરછમાં સોજીબમીયાંએ કહ્યું હતું કે, તે બાંગ્લાદેશના મ્યેમનસિંહ જિલ્લાના ખુદરો ગામનો રહેવાસી છે. તેના ઘણા સંપર્કો દ્વારા અલકાયદાની વિચારધારાથી પ્રેરિત થયેલ અને ત્યાર બાદ તે અલકાયદાનો સભ્ય બન્યો હતો. સોજીબમીયાં તેના બાંગ્લાદેશી હેન્ડલર શરીફૂલ ઈસ્લામ સાથે સંપર્કમાં હતો. જેણે સોજીબને અલકાયદામાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. શરીફૂલ ઈસ્લામ દ્વારા સોજીબમીયાનો પરિચય અલકાયદાના બાંગ્લાદેશના મ્યેમનસિંહ જિલ્લાના પ્રમુખ શાયબા નામના ઈસમ સાથે કરાવી હતી. શાયબા દ્વારા મોહમ્મદ સોજીબમીયા વગેરેને અન્ય યુવાનોને કટ્ટરપંથી બનાવવા, અલકાયદામાં જોડાવા અને સંગઠન માટે ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.


સોજીબમીયાએ તેના સાગરીતો મુન્ના ખાલીદ અન્સારી અને અઝારૂલ ઈસ્લામ કફિલુદ્દિન અન્સારી પણ અલકાયદા સાથે જોડાયેલ છે તથા ભારતમાં પ્રવેશ કરીને ખોટા દસ્તાવેજોના આધારે ભારતમાં વસવાટ કરી રહ્યાં છે. તે ઉપરાંત તેઓ અલકાયદા માટે ફંડ એકત્રિત કરવાનું તથા અલકાયદાની વિચારધારા ફેલાવવાનું કામ કરી રહ્યાં છે.



આ તમામ ઈસમો ગુજરાતમાં ઘણા વ્યક્તિઓના પરિચયમાં આવ્યાં છે. તેમણે અનેક લોકો પાસેથી નાણાં એકત્ર કરેલ છે. એટીએસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં સર્ચ દરમિયાન બોગસ આધારકાર્ડ તથા પાનકાર્ડ મળી આવેલ છે. આ ઉપરાંત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલકાયદાની મીડિયા વિંગ દ્વારા પ્રકાશિત કટ્ટરવાદી સાહિત્ય પણ મળી આવ્યું  છે. આ બાબતમાં ગુજરાત એટીએસ ખાતે આ ચારેય વિરુદ્ધ યુએપીએ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application