સમાજમાંથી વર્ષ ૨૦૨૭ સુધીમા રક્તપિત્ત નાબુદ કરવાના ‘રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન અભિયાન’ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર સુરત અને તાપી જિલ્લામાં ‘લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈન’ યોજાયું હતું. જેમાં તા.૧૦ જુનથી ૪ જુલાઇ સુધી બંને જિલ્લાના દરેક ગામોમાં આશાવર્કર અને પુરૂષ સ્વયંસેવકો દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ કરી ઘરના તમામ સભ્યોની તપાસ કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં કુલ ૨,૮૨૭, સુરત કોર્પોરેશનમા ૧૯૮ સહિત કુલ ૩૦૨૫ અને તાપી જિલ્લામાં કુલ ૨૬૫૮ જેટલા શંકાસ્પદ દર્દી મળી આવ્યા હતા.
આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં એક પુરૂષ સ્વયંસેવક અને એક આશાવર્કરને સમાવતી કુલ ૧૨૪૫, SMCમાં ૪૭૪ અને તાપી જિલ્લામાં કુલ ૮૦૦ જેટલી ટીમ બનાવાઈ હતી. આ ટીમોએ સર્વે કરી રક્તપિત્તના લક્ષણો ધરાવતા દર્દીઓ શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લામાંથી રક્તપિતના ૨૦૬ (૮૩ ચેપી અને ૧૨૩ બીન ચેપી) , સુરત કોર્પોરેશનમાથી ૨૮(૨૫ ચેપી અને ૩ બીન ચેપી) અને તાપી જિલ્લામાંથી ૧૭૭ (૭૩ ચેપી અને ૧૦૪ બીન ચેપી) નવા દર્દીઓ શોધી તેઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
આ દર્દીઓમાં સુરત જિલ્લાના કુલ ૨૬ અને તાપીના ૧૬ બાળદર્દીઓ પણ સામેલ છે. સુરત જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડો.જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે હાલ સુરત અને તાપીમાંથી આઇડેન્ટિફાય થયેલા રક્તપિત્તના દરેક દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે, પરંતુ એ માટે નિયમિત સારવાર લેવી જરૂરી છે. રક્તપિત્તના ચેપી રોગમાં એક વર્ષ અને બિનચેપીમાં ૬ માસની સારવાર જરૂરી છે એમ જણાવી કુટુંબ, ગામ, તાલુકો, જિલ્લો, રાજ્યને રક્તપિત્તમુક્ત કરવાની દિશામાં રાજ્ય સરકાર અને જિલ્લા આરોગ્ય તંત્રની કટિબદ્ધતા દર્શાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500