માહિતી વિભાગ દ્વારા તાપી, પ્રાચીન કાળમાં બીજ વાવીને વનનિર્માણ કરવાની પ્રથા ન હતી. તે સમયનો સમાજ ફકત કુદરતી રીતે ઊગેલી વનસૃષ્ટિ ઉપર આધાર રાખતો. એ જમાનામાં જંગલ વિસ્તારનું પ્રમાણ ઘણું હતું. ખાસ કરીને ભારત વર્ષમાં એમ માનવામાં આવતું કે જંગલો અમાપ છે, અખૂટ છે. તે સમયમાં મનુષ્ય, પશુપક્ષીઓ અને આગથી જંગલને નુકસાન નહિવત થતું. એથી એ સમયનાં જંગલો સમૃદ્ધ હતાં. આજે જંગલ અને તેની પેદાશોના અનેક ઉપયોગો થવાથી જંગલોને વધુ નુકસાન થયું છે. પરિણામે જંગલનો કુદરતી ઊગાવો ઓછો થઈ ગયો છે.
આથી નવાં જંગલો ઉછેરવાની જરૂરત પુરી પાડવા દર વર્ષે મોટા પ્રમાણમાં કુત્રિમ રીતે જંગલ ઉછેરના કાર્યનું આયોજન વન વિભાગના સઘન પ્રયત્નોથી હાથ ધરવામાં આવે છે. જંગલોના આવા પુનઃનિર્માણ માટે મોટા જથ્થામાં બીજની જરૂર પડે છે. જેથી સમયસર બીજ એકત્ર કરવાનું કાર્ય અત્યંત જરૂરી અને અનિવાર્ય બની રહે છે. ગુજરાત રાજ્યનો દક્ષિણ વિસ્તાર તેના વન વિસ્તારના કારણે વસવાટ કરવા માટે અને હરવા ફરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તાપી જિલ્લામાં કુલ- 90760.3235 હેક્ટર વિસ્તારમાં જંગલ છે.
જંગલના વિસ્તારમાં ઉત્તરોત્તર વધારો કરવા માટે વનવિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવે છે. દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ માસ દરમિયાન જંગલોમાંથી બીજ એકઠ્ઠા કરવાની એટલે કે સીડ કલેક્શનની કામગીરી કરવામાં આવે છે. તાપી નાયબ વનસંરક્ષક પુનિત નૈયર આ અંગે વધુ માર્ગદર્શન આપતા જણાવે છે કે, “બીજ એ પુન:સર્જનનો પાયો છે. બીજ એ હવે પછી ઊગવાનાં ઝાડો તથા હયાત વૃક્ષો વચ્ચેના સંબંધને જોડતા સેતુબંધ જેવા છે. નવાં વૃક્ષો કઈ જાતનાં ઊગશે, કેવા ગુણો ધરાવતાં હશે અને તેની વધ કેટલા પ્રમાણમાં થશે તે થોડે ઘણે અંશે બીજની જાત ઉપર અવલંબે છે.
જેથી બીજ સમયસર ભેગા કરી લેવા જરૂરી છે. તંદુરસ્ત, ઘટાદાર, ઉંચા અને ખોડખાંપણ વગરના બીજ એકઠ્ઠા કરવા ખુબ જ જરૂરી છે. જો યોગ્ય બીજ પસંદ ન કરવામાં આવે તો આખુ વર્ષની મહેનત નિષ્ફળ જાય છે. બીજની અંકુરણ ક્ષમતાના આધારે તેની રોપણી કરવી પણ જરૂરી છે. યોગ્ય પસંદગી કરવામાં આવે તો રોપાવન ઉછેરવાના કાર્યમાં ધારી સફળતા મળે છે અને તેના થકી વનની વૃધ્ધી થતા સમગ્ર વિશ્વને ફાયદો થાય છે. તાપી જિલ્લા અંગે કેટલાક રસપ્રદ તથ્યો: તાપી જિલ્લામાં આ વર્ષે 10 લાખ થી વધુ બીજનું કલેક્શન વનવિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
જેના દ્વારા અંદાજિત ૭.૫ લાખ રોપા તૈયાર કરી ૧૦ રેંજમાં 1500 હેકટર વિસ્તારમાં પ્લાનટેશન થશે. તાપી જિલ્લામાં છેલ્લા ૫ વર્ષના આંક ઉપર નજર કરીએ તો, તાપી જિલ્લામાં વર્ષ-૨૦૧૮થી આજ દિન સુધી ૮૦ લાખથી વધુ બીજનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ બીજના રોપાવન તૈયાર કરી અંદાજીત ૮ હજાર વિસ્તારમાં પ્લાન્ટેશન થયું છે. એકત્ર કરેલ બીજને યોગ્ય પધ્ધતીથી સાચવચું જરૂરી: વન વિભાગ દ્વારા બીટગાર્ડ અને ફોરેસ્ટર તેમજ રોજમદારની મદદથી ચોક્કસ રીતે હદ વડે વિસ્તાર તારવેલ હોય તેવા બીજ એકત્રીકરણ માટે સીડ સ્ટેન્ડ અગત્યનું છે.
સીડ સ્ટેન્ડમાં નક્કી કરેલ પ્લસ ટ્રી એટલે કે પિતૃ વૃક્ષમાંથી એકત્રીત કરેલ બીજને જંતુનાશક દવાનો છંટકાવ કરી ઢાંકણવાળા ડબ્બામાં ભરવામાં આવે છે. ડબ્બા ઉપર કઇ જાતનું બીજ, નામ,ક્યારે કલેક્શન કરવામાં આવ્યું, વર્ષ, વન વિભાગની રેન્જ વગેરે જરૂરી માહિતી નોંધી સાચવવામાં આવે છે. સીડ કલેક્શન બાદ તેની જાણવણી અને તેના રોપાવન તૈયાર કરવાની કામગીરી મહત્વની સાબીત થાય છે. જેના માટે જર્મીનેશન ટેસ્ટ અને સીડ ટેસ્ટીંગ એપેરેટસની મદદ લેવામાં આવે છે. જર્મીનેશન ટેસ્ટ દ્વારા બીજની અંકુરણ ક્ષમતા ચકાસવામાં આવે છે.
રોપાવન પહેલા જમીન તૈયાર કરવી: જંગલમાં ખાડા તૈયાર કરવા વ્યારા તાલુકાના મીરપુર રાઉન્ડના ધામણદેવી બીટના બીટ ગાર્ડ સ્વેતલ ગામીત આ અંગે માહિતી આપતા જણાવે છે કે, “વૃક્ષમાંથી બીજ કલેક્શન બાદ વૃક્ષારોપણ કરવા જે ક્ષેત્રની જમીનની ખાસીયતો, આબોહવા, તથા વાતાવરણના ફેરબદલીના સામે ટકવાની સહિષ્ણુતાને નિર્ધારીત પ્રત્યેક વૃક્ષ તે જગ્યાએ ઉગે, ઉછરે અને નાશ પામે છે. શ્રેષ્ઠ રોપા તૈયાર કરવા સૌથી પહેલા નર્સરીમાં બેડ તૈયાર કરવા પડે છે. હાલ વ્યારા તાલુકાની મીરપુર રાઉન્ડની નર્સરી ખાતે સાગના રોપા તૈયાર કરવા ૫૦૦ બેડ બનાવવામાં આવ્યા છે.
તમામ બેડની લંબાઇ ૧૦ મીટર છે. જેમાં માટી અને ખાતર ભેગું કરી ચાસ પાડવામાં આવી છે. જેમાં બીજ રોપવામાં આવે છે. ૨ વર્ષનો રોપો થયા બાદ તેને પોલીથીનમાં ટ્રાન્સફર કરી જંગલમાં રોપવામાં આવે છે. અમારી કામગીરીમાં જંગલની સુરક્ષા અને સંવર્ધન આવે છે. માર્ચ મહિનાથી એડવાન્સ વર્કની કામગીરીમાં પ્લાન્ટેશન માટે ખાડા ખોદાવવા, કન્ટુર તૈયાર કરવા, ચેકડેમ બનાવવો, ફેન્સ મુકાવવી વગેરે પણ કરવામાં આવે છે. જંગલમાં ખાડા તૈયાર કરવામાં આવે છે જેમાં ૩૦*૩૦ સેમીના ખાડા અને ૨ મીટરના કન્ટુર ખોદાવીએ છે.
ખાડામાં મુખ્ય છોડ રોપવામાં આવે છે અને તેની આજુ બાજુ અન્ય જંગલી કે કાંટાળા છોડ વાવવામાં આવે છે જેથી મુખ્ય રોપા સુરક્ષીત રહે. ચોમાસા પહેલા વન નર્સરીમાં રોપાવન તૈયાર નર્સરીમાં જમીન તૈયાર કર્યા બાદ નર્સરીમાં બેડ તૈયાર કરી એક એક બીજને પોલીથીનની બેગમાં ભરેલી માટી અને ખાતરમાં નાખી રોપા તૈયાર કરવામાં આવે છે. વૃક્ષની જાત પ્રમાણે અલગ અલગ સમયે રોપા વૃક્ષારોપણને લાયક તૈયાર થઇ જાય છે. વૃક્ષારોપણ-પુન:નિર્માણની છેલ્લી કડી રોપા તૈયાર થયા બાદ ચોમાસાની સીઝનમાં વન પુન:નિર્માણ માટે આયોજન બધ્ધ વૃક્ષારોપણ કરવા માટે તૈયાર કરેલ ખાડા અને કોન્ટુરમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે.
આ રોપાની જાણવણી માટે રોપાના વિસ્તારની ફરતે કાંટાળા ઝાડની બોર્ડર તૈયાર કરવામાં આવે છે. રોપા વાવ્યા બાદ સમયાંતરે નિંદામણ અને ચરિયાણ બંધ બનાવી પાણી સમયસર મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે. આમ સીડ કલેક્શનથી લઇ વૃક્ષારોપણ સુધી એક વર્ષનો સમય લાગે છે. જયારે એક રોપાને પરિપક્વ બની બીજ આપતું વુક્ષ બનતા લગભગ ૧૦ વર્ષ લાગે છે. વૃક્ષારોપણ એ કોઇ સામાન્ય પ્રક્રિયા નહિ પરંતુ યુગ પરિવર્તનની પહેલ સમગ્ર વિશ્વમાં પાંચમી જુનની 'વિશ્વ પર્યાવરણ' દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે પણ રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસની 'બીટ પ્લાસ્ટિક પોલ્યુશન' થીમ પર જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે. ત્યારે વૃક્ષારોપણ એ કોઇ સામાન્ય પ્રક્રિયા નહિ પરંતુ યુગ પરિવર્તનનું અભુતપુર્વ પહેલ સાબીત થાય છે. વૃક્ષોની સંખ્યા વધતા વનવિસ્તારમાં વધારો થાય છે. વન વિસ્તાર વધતા વન્ય જીવો, વન સૃષ્ટીમાં વધારો થાય છે. પ્રાણીઓ પશુપક્ષીઓની સંખ્યા વધે છે. વરસાદ વધે છે. તાપમાન ઘટે છે. વન સંપદામાં વધારો થાય છે.
વન વિસ્તાર માંથી મળતી આવકમાં વધારો થાય છે. વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ વધે છે. ઓઝોનના સ્તરમાં પડેલા ગાબડાની ભરપાઇ થાય છે. આમ એક એક વૃક્ષ પારસમણી સમાન સાબીત થાય છે અને સમગ્ર વિશ્વને ઉગારવામાં રામબાણ સાબીત થાય છે. દુ:ખની બાબત એ છે કે કેટલાક માનવીઓ જંલગની પેદાશોને આડેધડ કાપણી કરી વન સંપદાને ભારે નુકશાન પહોચાડે છે. તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના વનવિભાગ રાતદિવસ એક કરી વૃક્ષોના સંવર્ધન માટે કામગીરી કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસોનગઢનાં ગાળકુવા ગામેથી ૬ જુગારીઓ ઝડપાયા
November 21, 2024સોનગઢનાં જેસીંગપુરા ટેકરા પાસે ટેમ્પો અડફેટે બાઈક સવાર બે ઈજાગ્રસ્ત થયા
November 21, 2024