માહિતી વિભાગ દ્વારા નર્મદા, સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના પ્રારંભે આજે રાજ્યના રમતો, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવશ્રી અશ્વિનિ કુમાર(IAS) દેડીયાપાડા તાલુકાના ઘાટોલી ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને શાળામાં પ્રવેશ અપાવવા માટે આવી પહોંચતા શાળાના બાળકો દ્વારા કુમ કુમ તિલક કરી સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવશ્રી અશ્વિનિ કુમારે જણાવ્યું હતું કે, દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેનો મુખ્ય આશય શાળામાં ૧૦૦ ટકા નામાંકન થાય તેવો હતો. આ યજ્ઞને આ વર્ષે ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
આ યજ્ઞમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી, ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ગામે ગામ જઈને બાળકોને શાળા પ્રવેશ કરાવી રહ્યા છે. જેના પરિણામે તેજસ્વી બાળકો આગળ આવી રહ્યા છે અને હવે સામાન્ય પરિવારનો બાળક ભણીને મુખ્ય ભૂમિકા વાળી મહત્ત્વના પદો ઉપર જેમ કે કલેકટર, ડીડીઓ, જિલ્લા પોલીસ વડા, મામલતદાર વગેરે પર બેઠા હશે તે દિવસો હવે દૂર નથી રહ્યા. માત્ર એટલું જ નહીં પણ શિક્ષિત અને જાગૃત નાગરિક તરીકે સમાજ અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી શકે. આ યજ્ઞ થકી વિચારશીલ સારા નાગરિકો તૈયાર થઈ રહ્યા છે તેમ સચિવશ્રીએ ઉમેર્યું હતું. ઘાંટોલી ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવશ્રી અશ્વિનિ કુમારના હસ્તે આંગણવાડીમાં ૨૯ અને બાલવાટિકામાં ૩૨ બાળકો મળી કુલ ૬૧ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીની સ્નેહલ વસાવાએ બેટી બચાવો બેટી પઢાવો અંગે વક્તવ્ય આપી તેનું મહત્ત્વ અને દીકરીઓ માટે સરકારશ્રી દ્વારા અમલી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. જ્યારે વિદ્યાર્થી દર્શન વસાવાએ પાણી બચાવો અંગે વિવિધ પાસાંઓને સાંકળીને વક્તવ્ય રજૂ કર્યું હતું. શાળા પ્રવેશોત્સવના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો દ્વારા ખૂબજ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. અને બાળકો દ્વારા મનુષ્ય ગૌરવ ગીત અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના ઘાંટોલી આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા શાળા પરિસરમાં કેમ્પ યોજી સ્થળ પર આરોગ્ય લક્ષી સુવિધા પુરી પાડવા સાથે ગ્રામજનોને સ્વાસ્થ્ય લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમજ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યા બાદ વિભાગના મુખ્ય સચિવશ્રીએ સ્માર્ટ ક્લાસની મુલાકાત લીધી હતી. બાદમાં એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા કરી હતી. કાર્યકમના અંતે શાળા પરિસરમાં સચિવશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન દેડિયાપાડા તાલુકાની ૨૧૫ પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકામાં ૨૮૮૨ અને ધોરણ-૧માં ૬૫ તથા આંગણવાડીમાં ૧૭૭૦ બાળકો મળી કુલ ૪૭૧૭ બાળકોને શાળા પ્રવેશ કરાવામાં આવશે.
રાજ્યના રમતો, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવશ્રી અશ્વિનિ કુમાર(IAS) જેઓ ઘાંટોલી બાદ રાંભવા અને ગાજરગોટા ગામની પ્રાથમિક શાળાના બાળકોને પણ શાળા પ્રવેશ કરાવશે. ઘાંટોલી પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી પ્રભુદાસ વસાવા, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, નર્મદા જિલ્લા કોચશ્રી જીગરભાઈ રાઠવા, બીઆરસીશ્રી નરેશભાઈ વસાવા, એસ.એમ.સી.ના અધ્યક્ષશ્રી રમેશભાઈ વસાવા, ગામના અગ્રણી નાનસિંગભાઈ વસાવા, શાળાના આચાર્યશ્રી રૂપેશભાઈ પંચાલ સહિત ગામ લોકો અને શાળા - આંગણવાડીના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500