યુવાનો દેશનું ભવિષ્ય છે. યુવાનોને રોજગારીની પુરતી તકો મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. જેથી રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ અધ્યતન કોલેજોના માધ્યમ થકી યુવાઓને ભણવા અને કારકિર્દી બનાવવાની સમાન તક મળે તે માટે પ્રયાસ હાથ ધરાયા છે. જેના ભાગરૂપે આઇ.ટી.આઇ.ના મકાનોનું બાંધકામ એક મહત્વની બાબત છે. તાપી જિલ્લામાં આદિવાસી યુવાઓને ગામ અને ઘરથી વધારે દુર ના જવુ પડે તેવા હેતું સાથે તમામ તાલુકાઓમાં આઇ.ટી.આઇ.ની કોલજ હોય તેની તકેદારી રાખવામાં આવી છે.
હાલ અંદાજીત રૂપિયા ૬૦૦ લાખના ખર્ચે કુકરમુંડા તાલુકા મથક ખાતે નિર્માણાધિન નવા આઇ.ટી.આઇ.ના મકાનની કામગીરીની મુલાકાત લઇ મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સુચનો આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા મટીરીયલની ચકાસણી કરી, કામગીરીમાં ગુણવતા જળવાઇ રહે તેની તકેદારી રાખવા સંબંધિત વિભાગને જણાવ્યું હતું. તેમણે આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી સાથે વાર્તાલાપ કરી, આ આઇ.ટી.આઇ.ના નિર્માણથી સ્થાનિક વિદ્યાર્થીઓને થનાર લાભ અંગે જાણકારી મેળવી હતી.
નોંધનિય છે કે, નવા આઇ.ટી.આઇ. બિલ્ડીંગમાં આર.સી.સી. બિલ્ડીંગ ગ્રાઉન્ડ ફ્લોર+ફસ્ટ ફ્લોર જેમાં ૧૧ વર્કશોપ, ૦૯ થીયરી રૂમ, ૦૧ મલ્ટીપરપઝ હોલ, ૦૧ કૈટીન, ટોઇલેટ બ્લોક (લેડીસ/જેન્સ) વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ સાથે કમ્પાઉન્ડ વોલ, ઇન્ટરનલ રોડ, ફાયર ફાઈટીંગ સીસ્ટમ, પાર્કિંગ શેડ, એક્ષર્ટનલ સેનીટેશન એન્ડ ડ્રેનેજ લાઇન, સોલાર પેનલ, સંપ રૂમ/પંપ રૂમ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ગ્રાઉન્ડ લેવલીંગ અને ફર્નિચર વર્ક, બોર વેલ, સીક્યુરીટી કેબીન પણ બનશે.
હાલ ભાડાના મકાનમાં કાર્યરત કુકરમુંડાની આઇ.ટી.આઇ. ખાતે કોપા, સીવણ, કોસ્મેટોલોજી, વેલ્ડર, વાયરમેન, ફિટર, ટુ-વ્હિલર ઓટો રીપેરર માટેના કોર્ષ ચાલે છે. જેમાં હાલ ૧૩૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નોંધનિય છે કે, વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ સુધી આઇ.ટી.આઇ.માં ૪૨૦ વિદ્યાર્થીઓ તાલીમ લઇ, આશરે ૮૮ ટકા જેટલા તાલીમાર્થીઓએ અલગ અલગ ટ્રેડના સર્ટિફિકેટ મેળવ્યા છે. જેમાંથી ઘણા તાલીમાર્થીઓ સીવણ, બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર, વાયરીંગ જેવા ક્ષેત્રમાં સ્વરોજગારી મેળવી પગભર થયા છે. તથા આશરે ૧૦૦ જેટલા તાલીમાર્થીઓ પ્રાઇવેટ કમ્પનીઓ જેવી કે જે.કે.પેપર મીલ-સોનગઢ, થર્મલ પાવર સ્ટેશન-ઉકાઈમાં અને ગાર્મેન્ટ ઉદ્યોગ-સુરતમાં રોજગારી મેળવે છે.
આ ઉપરાંતના અન્ય કોર્ષ માટે કુકરમુંડા તાલુકાના વિદ્યાર્થીઓને કુકરમુંડાથી નિઝર, ઉચ્છલ, સોનગઢ તથા નર્મદા જિલ્લાના સાગબારા, દેડીયાપાડા જેવા તાલુકાઓની સંસ્થાઓમાં અભ્યાસ અર્થે જવુ પડે છે. જેમાં સમય તથા પૈસાનો વ્યય નિવારી શકાય તે માટે, કુકરમુંડા ખાતે નિર્માણાધિન અદ્યતન સુવિધાઓથી સજ્જ આઇ.ટી.આઇ.નું મકાન, આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. અહીં નવનિર્મિત આઇ.ટી.આઇ.નું નિર્માણ થતાં આંતરીયાળ વિસ્તારનાં આશરે ૪૦૦ થી ૫૦૦ જેટલા યુવક-યુવતીઓ કુશળ કામગાર બનતા, તેઓ આર્થિક રીતે પગભર બની સમાજ, રાજ્ય તથા રાષ્ટ્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપી શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500