Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાલુ સરકારનું રાજીનામું રાજ્યપાલને સોપ્યું : તા.12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધી યોજાશે

  • December 09, 2022 

ગુજરાતમાં ભાજપની જંગી બહુમતીથી જીત થઈ છે. જીત બાદ સમગ્ર ગુજરાતમાં ઉજવણીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની ચાલુ સરકારનું રાજીનામું આપવા માટે રાજભવન પહોંચ્યાં હતાં. તેમની સાથે હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યપાલે ભૂપેન્દ્રભાઈની સરકારનું રાજીનામું સ્વીકારી લીધું હતું. ભાજપની સરકાર બનતાં જ હવે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ તા.12મી ડિસેમ્બરે શપથ લેશે. ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધી યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે 10 વાગ્યે ગાંધીનગર કમલમમાં ભાજપના ધારાસભ્ય દળની મીટિંગ મળશે. આ વખતની ચૂંટણીમાં ભાજપના મોટાભાગના મંત્રીઓની જીત થઈ છે. એક માત્ર કિર્તિસિંહ ચૂંટણી હારી ગયાં છે.



બીજી તરફ માણાવદરથી જવાહર ચાવડા પણ ચૂંટણી હારી ગયાં છે. ભૂપેન્દ્ર પટેલની જુની સરકારમાંથી 20માંથી 19 મંત્રીઓની જીત થઈ છે. ભુપેન્દ્ર પટેલ નવા ઈતિહાસ સાથે ફરીથી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે ત્યારે તેમના નવા મંત્રી મંડળમાં સુરત અને દક્ષિણ ગુજરાતને કેટલું અને કેવું પ્રતિનિધિત્વ મળે છે તે અંગે કાર્યકર-નેતાઓ સાથે લોકોમાં ભારે ઉત્સુકતા છે. 156 ધારાસભ્ય હોવાથી મંત્રીઓ પસંદ કરવા માટે ભાજપ પાસે વિશાળ વિકલ્પ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. તેમણે આ વખતે કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને હરાવ્યાં છે. અમીબેનને માત્ર 21120 મત મળ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીને ઘાટલોડિયા બેઠક પર 15902 મત મળ્યાં છે.



ત્યારે ભૂપેન્દ્ર પટેલ 191360ની લીડથી વિજેતા બન્યાં છે. વર્ષ-2017ની ચૂંટણી ભાજપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતાપદ હેઠળ લડી હતી. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલને ટીકિટ આપવામાં આવી હતી. જ્યાંથી તેમણે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને હરાવ્યા હતાં. તે વખતે ભૂપેન્દ્ર પટેલ 117750ની લીડથી ચૂંટણી જીત્યા હતાં. આ રેકોર્ડ તેમણે આ વખતે તોડ્યો છે અને 73 હજાર મત વધુ મેળવ્યાં છે. તેમની સામે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકને માત્ર 21 હજાર જ મત મળ્યાં છે. 




જયારે ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર આનંદીબેન પટેલ 2012માં જીત્યાં હતાં. આ બેઠકે ભાજપને બે મુખ્યમંત્રી આપ્યાં છે. ભાજપે અચાનક જ 2021ના ઓગસ્ટમાં વિજય રૂપાણી સરકારને બદલી નાંખી હતી. આ સમયે ભાજપમાં જોરદાર ચહલપહલ જોવા મળી હતી. નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું હતું. તેમણે શપથ લઈને મુખ્યમંત્રી તરીકે ફરજ અદા કરી હતી. ત્યારબાદ તેમના હસ્તક લડાયેલી આ પ્રથમ ચૂંટણી હતી અને તેમાં ભાજપે જોરદાર પ્રચંડ વિજય પ્રાપ્ત કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News