નવા વર્ષના સ્વાગત માટે અનેક લોકોએ ઉજવણીની તૈયારી કરતા હતા. પણ કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થતા મુંબઇમાં 7 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આમ રાતે 9 થી સવારે 6 વાગ્યા સુધી જમાવબંધીનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ ખાલિસ્તાની આતંકવાદી કદાચ મુંબઇ પર હુમલો કરી શકે છે. આથી કેન્દ્રના ગુપ્તચર વિભાગે શહેરમાં હાઇએલર્ટ જાહેર કર્યું છે. પોલીસની રજા રદ્દ કરવામાં આવી છે. મુંબઇમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. મુંબઇમા ગત થોડા દિવસથી કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થતા ન્યૂયરની પાર્ટી કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોટેલ, હોલ, પબ, બાર, રિસોર્ટ, ક્લબ, રૃફટોપ, સાર્વજનિક સ્થળે નવા વર્ષના સ્વાગત કરવા લોકોની ભીડ ઉમટી ન પડે માટે પોલીસ, મહાનગરપાલિકાની બાજ નજર હશે.મુંબઇ પોલીસે તા.30 ડિસેમ્બરથી 7 જાન્યુઆરીના રાતે 12 વાગ્યા સુધી જમાવબંધીનો આદેશ આપ્યો છે. સાર્વજનિક સ્થળે 5 કે વધુ લોકો જમા થઇ શકશે નહીં. આ નિયમનું ઉલ્લંઘન કરનારા સામે કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાના જોખમ વચ્ચે મુંબઇ ફરી આતંકવાદીઓના નિશાના પર હોવાનું કહેવાય છે. ખાલિસ્તાની આતંકવાદી મુંબઇ પર હુમલો કરી શકે છે. આથી મુંબઇ પોલીસ એલર્ટ છે. મુંબઇમાં 31 ડિસેમ્બરના તમામ પોલીસ કર્મચારીની રજા રદ્દ કરવામાં આવી છે. મુંબઇમાં રેલવેસ્ટેશન, એલટી ડેપો, પ્રસિદ્ધ હોટેલ, મહત્વના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ક્રાઇમબ્રાન્ચ, એન્ટી ટેરરિઝમ સ્કવૉડ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવૉડ, ડોગ સ્કવૉડ, ખડેપગે સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખવાના છે. પોલીસ શંકાસ્પદ વાહનો, વ્યક્તિની તપાસ કરી રહી છે. મુંબઇગરાને ગભરાવાની જરૃર નથી પણ સાવચેતી રાખવાનું જણાવવામાં આવ્યું છે. શહેરમાં દાદર, બાંદરા, ચર્ચગેટ, સીએસએમટી, કુર્લા, અને અન્ય મુખ્ય સ્ટેશન પર જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500