તાપી જિલ્લાના વાલોડ ખાતે નોધાયેલા જમીનના કેસમાં આરોપી દ્વારા કરવામાં આવેલી ક્વોશિંગ પીટીશન મામલે હાઈકોર્ટમાં અભિપ્રાય મોકલવાના બદલામાં રૂપિયા ૫૦ હજારની લાંચની માંગણી કરનાર કેસની તપાસ કરતા સીપીઆઈ અને રીડર પીએસઆઈને આજરોજ એસીબીએ છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડતા પોલીસ બેડામાં ભારે ખળખળાટ મચી ગયો છે.
વ્યારા સીપીઆઈ પી.જી.મકવાણા અને રીડર પીએસઆઈ પી.એમ.અમીનને લાંચની રકમ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા
એસીબીના જણાવ્યા તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકમાં જમીન મામલે ગુનો નોધાયો હતો જે કેસની તપાસ સીપીઆઈ પ્રવિણકુમાર જીવરાજ મકવાણા કરી રહ્ના હતા. દરમ્યાન આરોપી મહિલાએ ફરિયાદ રદ કરવા માટે તેના સંબંધીને વાત કરતા તેઓએ વકીલ મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પીટીશન દાખલ કરાવી હતી જે મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો. જયારે પીટીશન પેન્ડિંગ હતી.
દરમ્યાન કેસની તપાસ કરતા સીપીઆઈ પ્રવિણકુમાર મકવાણા અને જીલ્લા પોલીસ અધિક્ષકના રીડર પીએસઆઈ પ્રતિક.એમ.અમીન દ્વારા હાઈકોર્ટમાં કેસ સંબંધીત અભિપ્રાય મોકલવાના બદલમાં આરોપી મહિલાના સંબંધી પાસેથી એક લાખની માંગણી કરી હતી જેમાં પૈકી આજરોજ રૂપિયા ૫૦ હજાર આપવાના હતા અને બાકીના અઠવાડિયા બાદ આપવાનું નક્કી થયું હતું.
જોકે અરજદાર લાંચ આપવા માંગતા ન હતા અને આ મામલે એસીબીમાં ફરિયાદ કરતા મદદનીશ નિયામક એસીબી સુરત ઍકમના એન.પી.ગોહિલના સુપર વિઝન હેઠળ નવસારી એસીબી પીઆઈ એન.કે.કામળીયાએ સ્ટાફના માણસો સાથે આજરોજ પોલીસ અધિક્ષક કચેરીના ત્રીજા માળે આવેલ કચેરીમાં છટકું ગોઠવી લાંચની રકમ લેતા સીપીઆઈ પ્રવિણકુમાર મકવાણા અને પીએસઆઈ પ્રતિક અમીનને રંગેહાથ ઝડપી પાડ્યા હતા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500