Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુહારી ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ, લાભાર્થીઓને કરોડના લાભો આપવામાં આવ્યા

  • August 10, 2022 

વાલોડના બુહારી ખાતે મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રીશ્રી  રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લા કલેક્ટરશ્રી એચ. કે.વાઢવાણિયાની ઉપસ્થિતીમાં "વિશ્વ આદિવાસી દિવસ"ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આદિવાસીઓની કૂળદેવી યાહામોગી માં,ભગવાન બિરસા મુંડાને વંદન કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે આજનો દિવસ અદભૂત અને પવિત્ર છે.આદિવાસી લોકોએ સમગ્ર વિશ્વને સંસ્કારો શિખવાડ્યા છે. માજી વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીએ સૌપ્રથમ આદિવાસી લોકો માટે અલગ મંત્રાલય શરૂ કર્યું હતું.



દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી આપણે ઉલ્લાસભેર કરી રહ્યા છે. દેશના બંધારણનું સર્વોચ્ચ પદ આદિવાસીને મળ્યુ છે. ત્યારે આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આજે સમગ્ર ગુજરાતમાં ૧૩૦૦ કરોડના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે. ૧૨ લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિરૂપે રૂા.૧૫૦ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આદિવાસીઓની વાત આવે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારેય પાછળ ન પડે.૧૧ હજાર વનઅધિકાર પત્રો આદિવાસીઓને આપવામાં આવ્યા છે.



ઉકાઈ ડેમ બન્યો ત્યારે કુકરમુંડા,નિઝર અને ઉચ્છલ તાલુકામાં જમીન સંપાદન થઈ હતી. જે જ્યાં રહેતા હોય ત્યાં રહેણાંક માટે પ્લોટ નવી શરતથી અપાયા હતા. જેને લોકો વેચી પણ શકતા નથી.આજે મહેસુલ મંત્રી તરીકે પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે એક જ અઠવાડિયામાં ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હકારાત્મક નિકાલ લાવવાનો પ્રયાસ કરાશે. હું તાપી જિલ્લા વહીવટી તંત્રને આવા પ્રશ્નોના સુચારૂ ઉકેલ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.વધુમાં અન્ય સમાજે આદિવાસીઓની જમીન પડાવી લીધી હશે તો કોઈને છોડવામાં નહીં આવે તેવી મહેસુલ મંત્રીશ્રી ત્રિવેદીએ તાકિદ કરી હતી.સાથે સાથે વારસાઈના હકોમાં હવે પછી સીધી લીટીના તમામ વારસદારોના નામ દાખલ કરી શકાશે.



તાપી  કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ સૌ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આજે આપણા માટે ગૌરવપૂર્ણ દિવસ છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે ૩૮,૮૩૩ લાભાર્થીઓને ૮.૭૪ કરોડના લાભો એનાયત થનાર છે. આગામી ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન તાપી જિલ્લામાં આગવુ પ્રદાન કરશે. વધુમાં મતદાર સુધારણા કાર્યક્રમમાં લોકશાહી પર્વની ઉજવણી સારી રીતે કરવા ઉપસ્થિત નાગરિકોને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભવોના હસ્તે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ  મેળવનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. સાથે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત  વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો/ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું .ચૌધરી,ઢોડિયા,હળપતિ સમાજના કલાકારોએ પારંપરિક નૃત્ય રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.




પ્રાયોજના કચેરી સોનગઢ દ્વારા સમગ્ર તાપી જિલ્લામાં ૨૬૫૫ લાભાર્થીઓને કુલ ૧.૭૧ કરોડના લાભો અપાયા હતા. જ્યારે આદિજાતિ વિકાસવિભાગ વ્યારા દ્વારા કુલ ૯૩,૬૯૬ લાભાર્થીઓને રૂા.૧.૨૮ કરોડના લાભો એનાયત કરાયા હતા. આમ વિવિધ વિભાગો દ્વારા કુલ એકંદરે ૯૬,૪૮૪ લાભાર્થીઓને રૂા.૩૦.૩૩ કરોડના લાભો આપવામાં આવ્યા હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application