આ અનોખા લગ્ન ખજૂરાહોની સરિતા શર્મા અને ઈટલીના ગોઈદોના છે. નવાઈની વાત એ પણ છે કે, ગોઈદોએ હવે પોતાનું નામ બદલીને પંડિત ગોવિંદ શર્મા કરી નાખ્યું છે. આ લગ્નમાં સરિતાએ શાનદાર લહેંગો પહેર્યો હતો, તો વળી ગોઈદોએ ભારતીય વેશભૂષામાં પોતાનો રંગ જમાવ્યો હતો. ગોઈદો જ્યારે ઘોડી પર બેસીને નીકળ્યો તો ખજૂરાહો જોતું રહી ગયું હતું. આ અનોખા લગ્નને જોવા માટે આખું શહેર એકઠું થયું હતું. લોકોએ મન ભરીને તેના ફોટો અને વીડિયો બનાવ્યા હતા. કેટલાય લોકોએ આ અનોખા લગ્નને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
વિશ્વ પર્યટન નગરી ખજૂરાહોના દેશી મેજબાન ઈટલીના મહેમાનોનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો જાનમાં મન મુકીને નાચ્યા હતા. ત્યાર બાદ વર-વધુ લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. અહીં ગોઈદોએ સરિતા સાથે હિન્દુ રીતિ રિવાજ અનુસાર તમામ વિધિ નિભાવી હતી. આ દરમ્યાન અનોખો નજારો જોવા મળ્યો હતો. જ્યારે સરિતા ગોઈદોની વચ્ચે લગ્નસંબંધ બંધાયા, ત્યારે સૌ કોઈ જોવા માટે આવી પહોંચ્યા હતા. બંનેએ સાત ફેરા લીધા અને હંમેશાને માટે એકબીજાના થઈ ગયા હતા. આ લગ્નમાં ઈટલીના જાનૈયા આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આમ તો ખજૂરાહોમાં હજુ સુધી વિદેશી દુલ્હન લાવવાનો રિવાજ હતો, પણ સરિતા શર્માએ આ રિવાજ તોડીને વિદેશી વરરાજા સાથે લગ્ન કર્યા છે. સરિતાએ કહ્યું કે, ગોઈદો મને ખૂબ જ પસંદ છે. હું પત્ની ધર્મ નિભાવીશ. પતિ સાથે ખભેખભો મિલાવીને ચાલીશ. ગોઈદોના સુખ-દુ:ખ હવે મારા સુખ-દુ:ખ છે. અમારુ જીવન સારી રીતે પસાર થશે. આપને જણાવી દઈએ કે, આ લગ્નમાં માંગલિક કાર્યક્રમ 3 દિવસ સુધી ચાલશે. આ અવસર પર ગોઈદોએ કહ્યું કે, મને હિન્દુ સંસ્કૃતિ ખૂબ જ પસંદ છે. હું ઈચ્છતો હતો કે, મારી દુલ્હન હિન્દુ હોય, મને સરિતા પસંદ છે. અમે બંને એકબીજાના થઈ ચુક્યા છીએ, હું સરિતાને અને તે મને ખુશ રાખશે. અમે એક સારુ જીવન જીવીશું. મારી દુલ્હન સૌથી અલગ છે. અમારો પ્રેમ આખી જિંદગી બની રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500