દક્ષિણ મુંબઇના કાલાચોકી વિસ્તારમાં એક પ્રેમીએ પચ્ચીસ વર્ષીય યુવતીનું બ્લેડથી ગળું ચીરી નાંખ્યું હતું. આ મહિલાએ લગ્નનો પ્રસ્તાવ નકારી દેતા અપમાનિત થયાનું અનુભવતા શખસે મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની હાલત ગંભીર છે. આ સંદર્ભે પોલીસે ડ્રાઇવર તરીકે કામ કરતા 44 વર્ષના આરોપીની ધરપકડ કરી છે. આરોપી આ જ વિસ્તારના પરશુરામ નગરનો રહેવાસી છે. પોલીસના જણાવ્યાનુસાર આરોપી એક વર્ષથી મહિલા સાથે સંબંધમાં હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.
પરંતુ તેણે તેના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. સોમવારે રાત્રે તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી અને મહિલાએ અમૂક લોકોની હાજરીમાં તેનું અપમાન કર્યું હતું. આ વાતથી અપમાનિત થયો હોવાની લાગણી અનુભવતો આરોપી રોષે ભરાયો હતો. જયારે મંગળવારે બપોરે આરોપી મહિલાના ઘરમાં ઘુસી ગયો હતો અને કથિત રીતે બ્લેડ વડે મહિલાનું ગળું ચીરી નાંખ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી મહિલા હેબતાઇ ગઇ હતી અને તેની મદદ માટેની બૂમો સાંભળી આસપાસમાં રહેતા પાડોશીઓ સહિત અન્યો મદદ માટે દોડી આવ્યા હતા.
આ દરમિયાન આરોપી ઘટના સ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને તાત્કાલિક કેઇએમ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહિલાની સારવાર ચાલી રહી છે પણ હજી સુધી તે બેભાન છે આ ઘટના બાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસની ટીમ બનાવવામાં આવી હતી અને મંગળવારે રાત્રે આરોપીને પરશુરામ નગરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વિરૃદ્ધ IPCની કલમ 370 (હત્યાના પ્રયાસ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500