ભાવનગરમાં ડમીકાંડને લઈ એક મોટા સમાચાર આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા એક પછી એક ધરપકડ કરવામાં આવી રહી છે. ગત મોડી રાત્રે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સુરતથી યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરાઈ હતી. ત્યારે હવે બિપીન ત્રિવેદી અને ધનશ્યામની ધરપકડ કરવામાં આવી છે. કાનભા ગોહિલ પર ધનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે.
યુવરાજસિંહ સહિત કુલ 6 સામે ફરિયાદ
મળતી માહિતી મુજબ, સુરતથી ધરપકડ બાદ કાનભાને ભાવનગર લાવવામાં આવી રહ્યો છે. અહીં, તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. જણાવી દઈએ કે, ડમીકાંડ મામલે છેલ્લા 24 કલાકમાં 4 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ, ધનશ્યામ એક પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ છે જ્યારે બિપીન ત્રિવેદી એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ કેસમાં અત્યાર સુધી યુવરાજસિંહ સહિત કુલ 6 સામે ફરિયાદ નોંધાઈ છે જ્યારે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટે માગ કરાશે
સૂત્રો મુજબ,ખંડણી કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગત રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેમની વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા મોડી રાતે ધરપકડ કરવામાં આવી હતી. આજે સવારે યુવરાજસિંહને ડીએસપી કચેરી લાવવામાં આવ્યા હતા. યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટે માગ કરાશે. યુવરાજ સિંહ સામે ખંડણી અને કાવતરા સહિતની કમલ હેઠળ ગનો નોંધાયો છે. યુવરાજ સિંહ પર આરોપ છે કે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં નામ ન જાહેર કરવા માટે પ્રકાશ દવે ઉર્ફે પી.કે. દવે પાસેથી 45 લાખ રૂપિયા અને પ્રદીપ બારૈયા પાસેથી રૂ. 55 લાખની માગ કરી હતી અને ધમકી આપી નાણા લીધા હતા. શુક્રવારે પણ યુવરાજ સિંહની 9 કલાક પૂછપરછ કરાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500