આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું આજે તા.૨૦મીમાર્ચના રોજ નવમા દિવસે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા ખાતેથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામે આગમન થયું હતું. કારેલી ગામે પ્રવેશેલી દાંડીયાત્રાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી. મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, રાજ્યના પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા સહિતના મહાનુભાવોએ યાત્રીઓનું સૂતરની આંટી પહેરાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
વર્ષ ૧૯૩૦માં દાંડીકૂચ યોજી આઝાદીનો માર્ગ પ્રશસ્ત કરનાર મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દાંડી પદયાત્રિકોનું ૨૦મી માર્ચ, ૧૯૩૦ના રોજ જંબુસર તાલુકાના કારેલી ગામમાં આગમન થયું હતું. એ દિવસે ગાંધીજી સાથે ૭૯ પદયાત્રિકોએ નાવડીમાં સવાર થઈને બોરસદ તાલુકાના કંકાપુરા ગામથી કારેલી ગામ વચ્ચે આવેલી મહીસાગર નદીને હોડીમાં બેસી પાર કરી કરી હતી. આ ઐતિહાસિક ક્ષણે ગ્રામજનોએ ગાંધીજી અને પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. કઈંક આવો જ માહોલ કારેલી ગામમાં જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ દાંડીયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલાં ગ્રામજનો જ્યારે યાત્રીઓ મહીસાગર નદી પાર કરીને સવારે ૧૦:૩૦ વાગ્યે કારેલી ગામના પાદરમાં આવી પહોંચ્યા ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સાથે ગામ લોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ગામની બાળાઓએ ફૂલ પાંદડીઓ વડે તમામ યાત્રિઓને વધાવ્યા હતા. ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' ની સુરાવલિથી માહોલ સામાજિક ચેતના અને દેશભક્તિસભર બન્યો હતો.
દાંડીયાત્રાના સર્વે યાત્રિકોનુ ડીજે, બેન્ડ, ઢોલના નાદ સાથે શાળાની બાળાઓએ કુમકુમ તિલક કરી કળશ સાથે સ્વાગત કર્યુ હતુ. દાંડીપથની બન્ને બાજુએ ગ્રામજનોએ હરોળમાં ઉભા રહી દાંડીયાત્રીઓ પર પુષ્પવર્ષા કરી હતી. 'ભારત માતા કી જય' અને 'ગાંધીજી અમર રહો' 'આઝાદી અમર રહો'ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગ્રામજનોએ યાત્રાનું સ્વાગત અને સત્કાર કારેલી પ્રાથમિક સ્કુલ ખાતે કર્યું હતું. ત્યારબાદ ગાંધી આશ્રમ કારેલી ખાતેના વિશ્રામ સ્થળ ખાતે દાંડીયાત્રિકોએ ભોજન લીધા બાદ વિશ્રામ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500