હાલોલનાં મેદાપુર ગામથી એક્સેસ મોપેડ પર અંકલેશ્વર આવતા યુવકને મોતાલી અમરાતી બ્રિજ નજીક અકસ્માત નડતાં તેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, મેદાપુર ખાતે રહેતા સિદ્ધરાજસિંહ સોલંકી ગતરોજ સાંજે ઘરેથી પોતાની નવી મોપેડ લઇ અંકલેશ્વર ખાતે આવવા નીકળ્યા હતા.
તે દરમિયાન મોતાલી પાટીયા નજીક અમરાવતી બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તે મોપેડ સાથે રોડ પર પટકાયા હતા અને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે રાત્રીનાં 12:30 વાગ્યા સુધી મોપેડ સવાર અંકલેશ્વર નહિ પહોંચતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી અને અંકલેશ્વર ખાતે તેના સાસુને જાણ કરી હતી. અંકલેશ્વરની રાગીણી સિનેમા નજીક શ્રીજીવીલા સોસાયટીમાં રહેતા મૃતકના સાસુ રંજનાબેનેએ જમાઇના ફોન પર ફોન કર્યો હતો.
આ ફોન 108નાં કર્મચારીઓએ ઉઠાવ્યો હતો અને મોબાઇલ ધારક યુવકનું મોતાલી પાટીયા પાસે અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં તેમનો સાળો સ્થળ પર પહોંચી ગયો હતો મૃતકની ઓળખ કરી હતી. મોપેડને ટકકર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હોવાનું અનુમાન લગાવાઇ રહયું છે. બનાવ અંગે અંકલેશ્વર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500