અંકલેશ્વર GIDCમાં નિયમ-પારસમણી ચોકડીએ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર ચાલકે કારને પૂરઝડપે હંકારી લાવીને ત્રણ વીજ પોલને તોડી પાડી પલ્ટી ખાઈ ગઈ હતી. જોકે કાર ચાલકે એક બાઈક સવાર યુવકને ટક્કર મારતા બાઈક સવારની બાઈક વરસાદી કાંસમાં ખાબકી હતી. જ્યારે બાઈક સવાર 10 ઊંચો ઉછળીને એક મકાનની અંદર પડતાં તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ અંકલેશ્વર GIDC પોલીસ સ્થળ ઉપર દોડી આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર GIDCમાં આવેલા સંસ્કૃતિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા કેયુર વિઠલભાઈ સુતરીયા પોતાની બાઈક લઈ બેંકમાં કામ અર્થે નીકળ્યા હતા. જોકે તેઓ નિયમ ચોકડીથી પારસમણી ચોકડી વચ્ચે પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન એક કાર ચાલકે કારને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક જોડે ધડાકાભેર અથડાવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, યુવકની બાઈક રોડ સાઈડનાં વરસાદી પાણીનાં કાંસમાં ખાબકી હતી.
જ્યારે બાઇક સવાર કેયુર હવામાં ફંગોળાઈને રોડ સાઈડમાં આવેલી 10 ફૂટ ઊંચી દીવાલ પરથી ઉછળીને પટારાના શેડ તોડીને નીચે પટકાયો હતો. જેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સને બોલાવાઈ હતી. જોકે ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. જ્યારે કાર ત્રણ વીજ થાંભલાઓ તોડીને પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતમાં વીજ વાયરો પણ રોડ ઉપર તૂટીને નીચે પડતા રાહદારીઓના જીવ તાળવે ચોટ્યા હતા. બનાવની જાણ અંકલેશ્વર GIDC પોલીસ મથકે થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે અકસ્માતમાં કારમાં સવાર લોકોને પણ ઇજાઓ પહોંચી હોવાની માહિતી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500