“ઉજવણી...ઉજ્જવળ ભવિષ્યની”થીમ પર તા.૧૨થી ૧૪ જૂન દરમિયાન રાજ્યનો ૧૮મો શાળા પ્રવેશોત્સવ યોજાશે. શાળા પ્રવેશોત્સવના ત્રિ-દિવસીય કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-1માં ભૂલકાંઓને મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાશે ત્યારે આંગણવાડીઓમાં બાળકોને પ્રવેશ મેળવવા માટે અપીલ કરતા જિલ્લા આઈ. સી. ડી. એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી રિધ્ધીબા જાડેજા જણાવે છે કે, 3 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશ અપાવી શકાય છે.
આંગણવાડી કેન્દ્રો પર આપવામાં આવતા પોષણક્ષમ આહાર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનાં કારણે બાળકનો સર્વાંગી વિકાસ કરવામાં મદદ મળે છે. આંગણવાડી પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ નાગરિકોને આંગણવાડી પ્રત્યે જાગૃત કરવાની સાથે, બાળકને જાતે આંગણવાડીમાં આવવાનું મન થાય તેવો માહોલ તૈયાર કરવાનો છે ત્યારે ભરૂચ જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ આંગણવાડીઓમાં જુદી-જુદી શ્રેણીબદ્ધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રમાં ભૂલકાઓ પ્રવેશ મેળવે તે હેતુથી તાલુકાદીઠ ગામડાંઓમાં રાત્રીસભાઓ, વિવિધ ઘટકોમાં આદિવાસી નૃત્ય દ્વારા નાગરિકોને આકર્ષવા, રેલી કાઢી નારા લગાવવા જેવી પ્રવૃતિ સાથે–સાથે રેલી કાઢી ગીતો ગાવા, બાળકો દ્વારા બનાવવામાં આવેલ આંમત્રણ કાર્ડ ગામના આગેવાનોને આપવા જેવી પ્રવૃતિઓ, તેમજ યોજનાકીય સંદેશા સાથે ગામની શેરીઓમાં સુત્રોચાર કરીને આંગણવાડી પ્રવેશોત્સવનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લામાં કુલ ૧૩૭૪ આંગણવાડીમાં ૩૭૯૬ જેટલા પ્રવેશપાત્ર બાળકો છે. આ ઉપરાંત શેરી નાટક, ઢોલ નગારા વગાડી જાહેરાત કરવી, ભીંતચિત્રો, ગામના જાહેર સ્થળો પર જાહેરાત જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવનાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500