ભરૂચનાં વાલિયા તાલુકાના સિલુંડી ગામમાં આવેલ ગ્રામ પંચાયત ખાતે અગાઉના સરપંચના સમયના બાકી રૂપિયા બાબતે એક ઇસમે મહિલા સરપંચને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. બનાવની વિગત એવી છે કે, વાલિયાનાં સિલુંડી ગામના તળાવ ફળિયામાં રહેતી પ્રેમીલાબેન ચીમનભાઈ વસાવા સરપંચ તરીકે સેવા આપે છે. જેઓને શુક્રવારે બપોરે ગામનાં તલાટી કમ મંત્રીએ પંચાયત ઓફિસ ખાતે કામ અર્થે બોલાવ્યા હતા. તે સમયે પંચાયત ઓફિસમાં મહિલા તલાટી અને ડેપ્યુટી સરપંચ તેમજ ગામનો મહંમદ યુસુફ બાવા ત્યાં હાજર હતો.
જેને મહિલા સરપંચને અગાઉના સરપંચના સમયના બાકી મજૂરીના રૂપિયા 25 હજાર લેવા આવ્યો હોવાનું કહેતા, ‘શેના પૈસા’ એવું કહેતા મહંમદ યુસુફ બાવા અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી મહિલા સરપંચ સાથે ઝપાઝપી કરી તેણીને ત્રિકમ મારવા જતા ડેપ્યુટી સરપંચ અને તલાટીએ વચ્ચે પડી છોડાવ્યા હતા. તે સમયે મહંમદ યુસુફ બાવાએ સરપંચને બીજી વખત મળશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application