શિયાળામાં વોટર હીટર,રૂમ હીટર,કોલ સ્ટવ જેવા સાધનોનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવામાં ન આવે તો ક્યારેક ભારે નુકશાનનો સામનો કરવો પડી શકે છે. ગાંધીનગરમાં આજે એક બનાવ બન્યો હતો જેમાં હીટરના કારણે આખા ઘરમાં આગ લાગી હતી. પાણી ગરમ કર્યા બાદ અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જોતજોતામાં આખું ઘર આ ભયંકર આગની ચપેટમાં આવી ગયું હતું.
શોર્ટસર્કિટ થતા લાગી આગ
ગાંધીનગરના રસાયણ ખાતે ગુડાના મકાનોમાં બી બ્લોકમાં આવેલા 3 નંબરના મકાનમાં આ આગ લાગવાનો બનાવ બન્યો હતો. મકાનમાં રહેતા સંગીતાબેન જાદવનો 17 વર્ષીય દીકરો પ્રિન્સ ઘરે એકલો હતો ત્યારે પાણી ગરમ કરવા હિટર મૂક્યું હતું. પાણી ગરમ થઈ ગયા બાદ તે ન્હાવા ગયો ત્યારે અચાનક શોર્ટસર્કિટ થયુ હતું જેના કારણે મકાનમાં આગ લાગી હતી. થોડા જ સમયમાં આ આગ આખા ઘરમાં પ્રસરી જતા સ્માર્ટ ટીવી અને ઘરની બીજી અનેક ઈલેક્ટ્રોનિક્સ આઈટમ બળીને ખાખ થઈ ગઈ હતી.
સદનસીબે કોઈ જાનહાની થઇ નથી પરંતુ પરિવારને મોટું નુકસાન જરૂર થયુ હતું.શિયાળામાં હવે મોટાભાગના લોકો ગીઝરને જ પ્રાધાન્ય આપે છે પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવામાં ન આવે તો તે ભારે પડી શકે છે. ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે ન્હાતી વખતે ગીઝર ફાટ્યું હોય અને જીવલેણ સાબિત થયું હોય જેથી હંમેશા સાવચેતી રાખવી જરૂરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500