Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગ્રામ પંચાયતમાં તલાટી ગુમ થયાના બેનરો લાગ્યા

  • May 08, 2022 

પંચમહાલના કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયતમાં તલાટી ગુમ થયાના બેનરો લાગ્યા છે.જેને પગલે ગ્રામ પંચાયત ચર્ચાના ચકડોળે ચડી છે. છેલ્લા ચાર માસથી તલાટી ગામમાં હાજર ન થતાં ગ્રામજનો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અધુરામાં પૂરું ગામમાં સરપંચની ટર્મ પણ પૂરી થઈ જતાં ગ્રામજનોની સમસ્યા સાંભળવા વાળું કોઈ જ હોય તેવો ઘાટ સર્જાયો છે. આથી રોષે ભરાયેલ ગ્રામજનોએ તલાટી ગુમ થયાના બેનરો ગ્રામ પંચાયતના દરવાજે જ ચીપકાવ્યા હતા.


પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયતના સરપંચની ટર્મ પુરી થઈ જતાં વહીવટી અધિકારી તરીકે ઇન્ચાર્જ તલાટીની નિમણૂંક કરવામાં આવી હતી. ચાર્જ સંભાળ્યા બાદ છેલ્લા ૪ મહિનાથી તલાટી મંત્રી ગામમાં ડોકાયા ન હોવાની ગ્રામજનો ફરીયાદ કરી રહ્યા છે.


ચાર-ચાર માસ જેટલા લાંબા સમયગાળા બાદ પણ કર્મચારી ગામમાં ફરજ પર ન આવતા ગ્રામજનોમાં આક્રોષ જોવા મળ્યો હતો. ગામમાં નહીં આવતા તલાટીના આળસુ વહીવટથી કંટાળી ગયેલા ગ્રામજનોએ ચલાલી ગ્રામ પંચાયતમાં તલાટી ગુમ થયાના બેનર્સ પ્રસિધ્ધ કરી આકરો વિરોધ નોંધાવ્યો હતો. ચાર માસથી તલાટી ઘેર હાજર, તલાટી ખોવાયેલ છે. તેવા સૂત્રો સાથેના પોસ્ટરો લગાવ્યા છે. આ ઉપરાંત સોંગ મીક્ષ કરીને વિડીયો પણ વાયરલ કર્યો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ગામમાં કોઈ તલાટી કે વહીવટી કર્મચારી ન આવતા ગ્રામજનોને પાણી સહિતની સમસ્યાઓને લઈને ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત દાખલા કઢાવવા સહિતના વહીવટી કામો પણ પેન્ડિંગ પડ્યા છે. આમ આશરે ૪૦૦૦ થી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામમાં તલાટીની ગેરહાજરીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.


એક બાજુ રાજ્યભરમાં ઉનાળાએ આકરો મિજાજ ધારણ કર્યો છે. આકાશમાંથી અગન વર્ષા થઇ રહી છે ત્યારે તલાટીની ગેરહાજરીના પાપે ઉનાળાના આકરા તાપ વચ્ચે ગ્રામજનોને પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ મેળવવા મોઢે ફિણ આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરાંત રોજિંદા પ્રશ્નો પણ ઉકેલાતા નથી અને જવાબદાર કર્મચારી ગુલ્લી મારી કયા રાખડી રહ્યા છે તે અંગે ગ્રામજનો અજાણ છે. અહી સવાલ એ પણ ઊભો થાય છે કે, ચાર માસથી કર્મચારી ચલાલી ગ્રામ પંચાયતના ઓટલા ચડયા ન હોવા છતાં ઉપરી અધિકારીઓ પણ તેની સામે પગલાં લેવાં લાંબો ઘૂંઘટો તાણતા હોવાથી ગ્રામજનોમાં અનેક સવાલો ઊભા થયા છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application