લોકસભા ચૂંટણી 2024ની તારીખ ચૂંટણી પંચ હવે કોઈપણ સમયે જાહેર કરી દે એવી શક્યતા છે, જેને પગલે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે. રાજકીય સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ભાજપ બે વીકમાં 100 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ભાજપની પ્રથમ યાદીમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં નામ પણ સામેલ હોય એવી શક્યતા છે. ભાજપની ઉમેદવારો જાહેર કરવાની આ કવાયતને પગલે બે દિવસ બાદ પ્રદેશ ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠક અગાઉ લોકસભા સીટ દીઠ સેન્સપ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. સેન્સપ્રક્રિયા શરૂ કર્યા પહેલા પોલિસી મેટરની ચર્ચા માટે કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મહાનગરપાલિકાઓના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પૂર્વ મેયર સાથે પ્રદેશ ભાજપ-પ્રમુખ સામેલ થયા હતા. કમલમમાં બેઠક મળ્યા બાદ અચાનક અને ગુપચુપ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક સીટ ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા હતા.
બપોરે ત્રણ વાગ્યાથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. સતત બે દિવસ સુધી પ્રક્રિયા ચાલ્યા બાદ તારીખ 28 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે. જ્યારે 29મી એ દિલ્હીમાં મળનારી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની કેટલીક સીટોના જાહેર થઈ શકે છે. આ વખતે ભાજપે પહેલીવાર ઉમેદવારની સત્તાવાર જાહેરાત થઈ નથી ત્યાં 26 લોકસભા મત વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દીધાં છે. અત્યારે કોને ટિકિટ આપવી એ મુદ્દે મનોમંથન ચાલી રહ્યુ છે. સૂત્રોના મતે, આ વખતે ભાજપ હાઇકમાન્ડ વર્તમાન સાંસદોમાંથી મોટા ભાગના સાંસદોને રિપીટ નહિ કરે એ વાત નક્કી છે. એમાં પણ 60થી વધુ વયના સાંસદોને તો ઘરભેગા જ કરાશે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપે કવાયત ઝડપી કરી છે. ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે નિકોલની કોઠિયા હોસ્પિટલમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. મંત્રી મુળુ બેરા, ભરત બોઘરા અને સંગીતા પાટીલ સેન્સ માટે કોઠિયા હોસ્પિટલ પહોંચ્યા છે. હાલ અમદાવાદ પૂર્વમાં સાંસદ હસમુખ પટેલ છે. બે લોકસભા બેઠક પર ચૂંટણી લડવા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સક્રિય થયા છે. ખેડા અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે પ્રદીપસિંહ જાડેજા પ્રયાસ કરી રહ્યા છે. સેન્સ પ્રક્રિયામાં વટવા વિધાનસભાનાં તેમના ટેકેદારો પહોંચ્યા છે. જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કાંતિ ઠાકોર અને સભ્ય કુંજનસિંહ પ્રદીપસિંહ જાડેજાનું નામ આગળ કરશે. અમદાવાદ પૂર્વ લોકસભામાં આવતી વટવા, બાપુનગર, નિકોલ, દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ઠક્કરબાપાનગર અને નરોડા વિધાનસભાના ધારાસભ્યો, કોર્પોરેટરો અને શહેરના સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા છે.
નરોડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય બલરામ થાવાણી પૂર્વ લોકસભા બેઠક પર દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે. બલરામ થાવાણીએ જણાવ્યું હતું કે, હું પૂર્વ લોકસભા માટે ચોક્કસથી દાવેદારી નોંધાવવા માટે આવ્યો છું. ગત વર્ષે મને પડતો મૂકવામાં આવ્યો હતો. હવે પાર્ટી જો મને ટિકિટ આપશે તો ચોક્કસથી હું ચૂંટણી લડીશ. સિંધી સમાજમાંથી તેઓ આવે છે. પરંતુ રાજકારણમાં જ્ઞાતિ ફેક્ટર ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. જો પાર્ટી તેમને ટિકિટ આપશે તો ચોક્કસથી તે ચૂંટણી લડશે.
ભાજપે મોટા ભાગના રાજ્યસભાના સાંસદોને લોકસભાની ચૂંટણી લડાવવાનુ નક્કી કર્યું છે, જેના ભાગરૂપે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવવાનું હાઇકમાન્ડે નક્કી કરી લીધું છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગાંધીનગર બેઠક પરથી જ ચૂંટણી લડશે. આ સિવાયના અન્ય ઉમેદવારોનાં નામો દિલ્હીમાં મળનારી રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક બાદ જાહેર થાય એવી સંભાવના છે. આ વખતે ભાજપે પાંચ લાખના માર્જિનથી બેઠકો જીતીને એક નવો રેકોર્ડ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે ગત વખતે ઓછા માર્જિનથી જીતેલી બેઠકો પર ભાજપ ઉમેદવારોની ઘોષણા કરે એવું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024