કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના ઉપક્રમે તા.૪થી ૧૦ જાન્યુઆરી દરમિયાન આયોજિત ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત દાદા ભગવાન ત્રિમંદિર, કામરેજ સુરત ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિશેષ ઉપસ્થિત રહી રહીને ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના ૨૨૦ આદિવાસી યુવાનો સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, ચાર રાજ્યોમાંથી આવેલા આદિજાતિ યુવાનો રાજ્યની અભૂતપૂર્વ શાંતિ, સુખાકારી અને વિકાસની અનૂભૂતિ કરી પ્રગતિની શક્તિને સમજશે. પોતપોતાના ગામ, શહેરમાં જઈ ગુજરાતના વિકાસ, સુખાકારીથી સૌને પરિચિત કરાવે એ માટેનો યુથ એક્સચેન્જનો આ પ્રયાસ છે એમ જણાવી તેમણે પોતાના વતન જઈ ગુજરાતની અસ્મિતાની સુવાસ ફેલાવવાનો સર્વ યુવાનોને અનુરોધ કર્યો હતો. નેહરુ યુવા કેન્દ્ર, ગુજરાતના રાજ્ય નિદેશક મનીષા શાહના માર્ગદર્શન હેઠળ સમસ્ત કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર સુરતના જિલ્લા યુવા અધિકારીના નેતૃત્વમાં નવસારી, પાટણ, દમણ અને સિલવાસાના જીલ્લા યુવા અધિકારીઓ, કાર્યક્રમ સંયોજકો અને જીલ્લા પ્રશાસનના સહયોગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
વિવિધ વિષયો પર સેમિનારો યોજી આદિવાસી યુવાઓનું જ્ઞાનવર્ધન...
યુવા આદાન પ્રદાન કાર્યક્રમના બીજા દિવસે પ્રથમ સેશનમાં એડવોકેટ વિનય શુક્લાએ આદિવાસીઓના કાયદાકીય હકો વિષે માહિતી આપવાની સાથે પછાત વર્ગ માટે ચાલતી સરકારની વિવિધ યોજનાઓ વિષે જાણકારી આપી હતી. બીજા સેશનમાં “એક સોચ NGO”ના પ્રમુખ રીતુ રાઠીએ “આત્મનિર્ભર ભારત-લોકલ ફોર વોકલ” વિષે યુવાઓ સાથે સંવાદ કરીને એમના મનમાં રહેલા વિવિધ પ્રકારના સામાજીક પ્રશ્નો વિષે ચર્ચા કરી હતી. ત્રીજા સેશનમાં ટ્રેનર રૂપલ શાહ દ્વારા વ્યક્તિત્વ વિકાસ અને વિવિધ રમત મારફતે યુવાઓની અંદર રહેલ પ્રતિભાને બહાર લાવવા પ્રયાસ કરવામાં આવ્યો.
નોંધનીય છે કે, ચોથા સેશન માં ”બેટી બચાઓ બેટી પઢાઓ” ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર અને 3 વખતના વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ૧૪ વર્ષીય ભાવિકા માહેશ્વરીએ ૨૦૪૭ નું વિકસિત ભારત સાથે ૨૧ મી શતાબ્દીના યુવા ભારત વિષે યુવાનો સાથે ગહન ચર્ચા વિચારણા કરી હતી કાર્યક્રમના ચોથા દિવસે પ્રથમ સેશનમાં ડૉ. વિજય રાદડીયાએ આદિવાસી યુવાનો માટે ઉદ્યોગસાહસિકતા પર નવા નવા ઉદ્યોગોમાં રહેલી તકો વિષે સમજ આપી હતી. શ્રી આકાશ બંસલે “જલ જંગલ જમીન” વિષય પર અને ડૉ. પારૂલબેન પટેલ દ્રારા કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ સેશનમાં યુવાઓ માટે ઉજ્જવળ ભાવિ તકો, સરકારની વિવિધ યોજનાઓ વિષે માહિતી આપી હતી. દીપેશ શાહ દ્વારા કરીયર કાઉન્સીલીંગ અને મોટીવેશનલ યુવા સવાદ માં વિકસિત ભારત વિષે વિગતો આપી અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આદિવાસી યુવાઓને પ્રોત્સાહિત કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500