મની લોન્ડરિંગ તપાસ હેઠળ ભોપાલ સ્થિત પીપલ્સ ગ્રુપની 230 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. ટાંચમાં લેવામાં આવેલ સંપત્તિમાં સ્કૂલ, કોલેજ, પેપર મીલ અને અન્ય ઇમારતો સામેલ છે તેમ EDએ એક નિવેદનમાં જણાવ્યું છે. EDએ આ કાર્યવાહી રજિસ્ટ્રાર ઓફ કંપનીએ સુરેશ નારાયણ વિજયવર્ગીય, સ્વર્ગસ્થ રામવિલાસ વિજયવર્ગીય, પીપલ્સ ઇન્ટરનેશનલ એન્ડ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, પીજીએચ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને પીપલ્સ જનરલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ સામે કંપની એક્ટ, 2013ની વિવિધ કલમો હેઠળ દાખલ કરેલી ત્રણ ચાર્જશીટ પર આધારિત છે.
એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં જમીન, બિલ્ડિંગ, મશીનરી, કોલેજો, શાળાઓ, ટ્રેઇનિંગ સેન્ટર, પેપર મીલ, ન્યૂઝપ્રિન્ટ મશીનરી સામેલ છે. ટાંચમાં લેવામાં સંપત્તિનું કુલ મૂલ્ય 230.4 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. EDએ આરોપ મૂક્યો છે કે તેને તપાસમાં જાણવા મળ્યું છે કે, વિજયવર્ગીયે શંકાસ્પદ રીતે એફડીઆઇથી મળેલા નાંણાથી પોતાને અને પોતાના નિયંત્રણવાળી કંપનીઓને સમૃદ્ધ કરી હતી. જેના કારણે પીપલ્સ ઇન્ટરનેશનલ એન્ડ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, પીજીએચ ઈન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને પીપલ્સ જનરલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડના શેરહોલ્ડરોને નુકસાન થયું હતું. EDનાં નિવેદન અનુસાર પીપલ્સ જૂથની ત્રણ કંપનીઓને 2000થી 2011ની વચ્ચે 494 કરોડ રૂપિયાનું એફડીઆઇ (વિદેશી પ્રત્યક્ષ રોકાણ) પ્રાપ્ત થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500