Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનાં પાણી ઉતરતા જ ભારે ગંદકી જોવા મળતા સફાઈની ઝુંબેશ હાથ ધરાઈ

  • August 30, 2024 

વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી ઉતરી રહી છે, ત્યારે નદીકાંઠાના સૌથી અસરગ્રસ્ત એવા પરશુરામ ભઠ્ઠામાં પણ પાણી ઉતરી ગયા છે. પાણી ઉતરતા જ ત્યાં ભારે ગંદકી જોવા મળી રહી છે. ગંદકીના ઢગલે ઢગલાથી નરકાગાર જેવી સ્થિતિ છે. ગઈરાત સુધી ત્યાં પાણી ભરેલા હતા અને આજ સવારથી પાણી ઉતરી ગયા છે. જોકે કોર્પોરેશન દ્વારા આ સ્થળે તરત જ સફાઈની સઘન ઝુંબેશ હાથ ધરી છે. વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ સોમવારથી થયું હતું.


તે દિવસથી જ પરશુરામ ભઠ્ઠામાં સૌથી પહેલા પાણી ઘૂસ્યા હતા અને ત્યારથી પાંચ દિવસ સુધી આ વિસ્તાર પાણીમાં રહ્યો હતો. પાણી પ્રવેશ્યા તે અગાઉ કોર્પોરેશન દ્વારા માઇકથી લોકોને સૂચિત કરીને સ્થળાંતર કરી જવા સૂચના પણ આપવામાં આવી હતી. પાંચ દિવસ સુધી પરશુરામ ભઠ્ઠામાં પાણી ભરાયેલા રહેતા ઘરવખરી, અનાજ સહિતને ભારે નુકસાન થયું છે. લોકો આજે સવારે બગડી ગયેલું અનાજ વગેરે બહાર ફેંકતા નજરે પડ્યા હતા.


દરમિયાન આજ સવારથી કોર્પોરેશન દ્વારા અહીં સફાઈ માટે કામદારોની ટુકડીઓ ઉતારી છે. અહીં વડોદરા ઉપરાંત અમદાવાદ અને બહારગામના સફાઈ કામદારો સફાઈ કામગીરીમાં લાગ્યા છે. વડોદરા કોર્પોરેશન દ્વારા ખાદ્ય સામગ્રી અને પાણીનું વિતરણ પણ ચાલુ કરવામાં આવ્યું હતું. સફાઈ માટે જેસીબી, ડમ્પર, રોબોટ મશીન વગેરે કામે લગાડવામાં આવ્યા છે. આ વિસ્તાર સૌથી વધુ પૂરગ્રસ્ત હોવાથી અને પાણી પાંચ દિવસ સુધી ભરેલા હોવાથી ગંદકી ખૂબ ફેલાયેલી છે. જેના કારણે સફાઈમાં પણ વાર લાગશે. બીજી બાજુ કોર્પોરેશનના આરોગ્ય ખાતાની ટીમો સ્થળ પર પહોંચી છે અને જરૂરિયાત મંદોને ચકાસીને દવા વગેરે આપી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application