તાપી જિલ્લાનાં ડોલવણ ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતા, જિલ્લા સમાહર્તાશ્રી ડૉ.વિપિન ગર્ગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના સંવેદનશિલ નેતૃત્વ હેઠળ પ્રત્યેક સમાજને સાથે રાખીને, સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યા છે એમ જણાવ્યું હતું. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા તાપી જિલ્લામાં લેવામાં આવેલ મુલાકાતની પળોને યાદ કરી 'મેરી મીટ્ટી મેરા દેશ"નો રાજ્યવ્યાપી પ્રારંભ તાપી જિલ્લામાંથી કરવામાં આવ્યો, તેના માટે સૌને ગૌરવ લેવા અનુરોધ કર્યો હતો. આ સાથે દેશના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવા પણ કલેક્ટરશ્રીએ સૌને આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં કલેક્ટરશ્રીએ કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા રૂા.૧૪.૧૮ કરોડની સહાય, પશુપાલન શાખા દ્વારા રૂા.૪૩.૬૫ લાખની સહાય, માર્ગ અને મકાન સ્ટેટ દ્વારા રૂા.૧૩૦ કરોડના ખર્ચે વિવિધ કામો, આરોગ્ય વિભાગ દ્વારા ૬,૭૨૬ લાભાર્થીઓએ ૮.૭૭ કરોડ રૂપિયા સુધીની કેશલેસ સારવાર, RTE Act-2009 હેઠળ જિલ્લામાં કુલ-૨૧૩૭ બાળકોએ પ્રવેશ, સંકલિત બાળ વિકાસ હેઠળ પોષણ સુધા યોજનામાં ૮૩૨૫ લાભાર્થી સગર્ભા અને ધાત્રી માતાઓને બપોરનું ભોજન આંગણવાડી કેન્દ્ર પર આપવામાં અંગે, દ.ગુ.વી.કં.લી વ્યારા વિભાગીય કચેરી દ્વારા ખેતી વિષયક વિજ જોડાણ, વિજ લાઈન અને ટ્રાન્સફોર્મરનો ખર્ચ લીધા વિના આપવા અંગે, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અન્વયે ₹.૧૧.૫૦ કરોડની વિવેકાધીન, પ્રોત્સાહક, ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર જેવી વિવિધ જોગવાઇઓ અંગે, સિંચાઈ વિભાગ અંતર્ગત વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને સિંચાઇ માટે મળતા સીધા લાભ અંગે, પ્રવાસન વિભાગ અંતર્ગત પદમડુંગરી અને આંબાપાણી ઈકો ટુરિઝમ સાઈટ થકી વન વિભાગને અને ઈકો ડેવલોપમેન્ટ કમીટીને થયેલી આવક ઉપરાંત પ્રાયોજના વહીવટદારની કચેરી, સોનગઢ અંતર્ગત ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ રૂ.૨૬.૭૩ કરોડ ખર્ચે આપવામાં આવતા વિવિધ લાભો અંગે માહિતી આપી હતી.
આ સાથે કલેક્ટરશ્રીએ ઉત્સાહ સાથે ઉમેર્યું હતું કે, તાપી જિલ્લા માટે ગર્વની બાબત કહી શકાય એવા આરોગ્ય વિભાગને કામગીરી હેઠળ જિલ્લામાં ૯૯.૯૫ ટકા સંસ્થાકીય પ્રસુતિ નોંધાયેલ છે. તથા ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબીના દર્દીના નવા કેસોમાં ૨૦ ટકાનો ઘટાડો થયેલ છે. જે બાબતે તાપી જિલ્લાને રાષ્ટ્રિય કક્ષાનો બ્રોન્ઝ મેડલ મળેલ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનામાં વ્યક્તિગત શૌચાલયના લક્ષ્યાંક અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે સામુહિક કંપોસ્ટ પીટનો લક્ષ્યાંક ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવ્યા છે. તે માટે જિલ્લા સમાહર્તાશ્રી ગર્ગએ સમગ્ર જિલ્લા તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. કલેક્ટરશ્રીએ અંતે આજના ટેકનોલોજી અને આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સના યુગમાં સૌની કાર્યક્ષમતામાં અભિવૃધ્ધિ થાય અને 2047 સુધી વિકાસશીલ ભારતને વિકસીત ભારત બનાવવાની વડાપ્રધાનશ્રીની નેમને પુરી કરવા માટે સક્રિય ભાગીદારી નોંધાવવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં ડોલવણ તાલુકાના વિકાસ અર્થે રૂપિયા 25 લાખનો ચેક જિલ્લા આયોજન કચેરીને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે તાપી જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરેલ કુલ-૪૧ જેટલા અધિકારીશ્રી, કર્મચારીશ્રી અને વિશિષ્ટ વ્યક્તિઓને ઉપસ્થિત મહાનુભાવોના હસતે પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ધ્વજવંદન બાદ પોલીસ વિભાગની ફાયરીંગ ટીમ દ્વારા હર્ષ ધ્વનિ અને વિવિધ પ્લાટુનનું નિરિક્ષણ કર્યુ હતુ. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયેલા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌનું મનમોહી લીધુ હતું. કાર્યકમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application