Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યની ભુપેન્દ્રભાઈની સરકારને અર્પણ : શિક્ષિત બેરોજગાર યુવાઓ નોકરી મેળવવા માટે દરદર ભટકી રહ્યા છે, આજે પણ તાપી કલેકટરને રજૂઆત કરી કહ્યું, આપે દોઢ વર્ષ પહેલા ખાલી પડેલ જગ્યાઓની માહિતી મંગાવવા પત્ર લખ્યો હતો, એનું શું થયું ??

  • August 22, 2022 

રાજ્યની સરકાર બેરોજગાર યુવાઓને નોકરી આપવામાં આવી હોવાના ગમે તેટલા કાગળિયા પુરાવાઓ બતાવી બણગાં ફુંકતી હોય પરંતુ વાસ્તવિકતા કઇંક જુદી હોય છે,જેનો જીવતો જાગતો પુરાવો તાપી જિલ્લામાં જોવા મળ્યો છે, ઉકાઈ ડેમના અસરગ્રસ્તો અને સ્થાનિક બેરોજગારો નોકરી મેળવવા માટે રાજ્યના સીએમ,સાંસદ,ધારાસભ્ય તેમજ અધિકારીઓને રજૂઆત કરતા થાકી ગયા છે, પરંતુ તેઓને નોકરી મળી શકી નથી. તે એક ચિંતા કરવા જેવી બાબત છે.





ઉકાઈ ડેમના અસરગ્રસ્તો અને સ્થાનિક બેરોજગારોને વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યા પર નિમણુંક આપવા બાબતે આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તે અનુસાર ઉકાઈ ડેમના અસરગ્રસ્તો અને સ્થાનિક બેરોજગારોને વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યા પર નિમણુંક આપવા બાબતે નામદાર હાઇકોર્ટના તા.૦૭/૧૦/૨૦૧૬ના ચુકાદાથી શ્રમ અને રોજગાર વિભાગના તા.૧૩/૦૮/૨૦૧૦ ના ના ઠરાવની જોગવાઈઓ ધ્યાને લઈ વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યાએ રોજગારી આપવા નિર્ણય હુકમ કરેલ છે પરંતુ તારીખ ૧૩/૦૮/૨૦૧૦ ના ઠરાવ જે પણ જોગવાઈઓ છે તે અનુસાર આજ દિન સુધી સમિતિના હોદ્દેદારો દ્વારા રોજગારી આપવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી માનનીય હાઇકોર્ટના હુકમનો અનાદર આ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે.





સ્થાનિક બેરોજગારો લોકોએ ડેમ અસરગ્રસ્ત ગામોમાં જઈ ગ્રામસભામાં હાજરી આપી તેઓને રોજગારી મળે એ માટે ગ્રામસભામાં ઠરાવો પણ મુકવામાં આવ્યા છે કારણકે તેઓના અનુસાર ગ્રામસભા એ એક એવી સભા છે જ્યાં ગામોના વિકાસ અને સમૃદ્ધ ગામ બનાવવા માટે નિર્ણયો લઈ શકાય છે અને ત્યાં લેવાયેલા દરેક નિર્ણયોને ઉચ્ચ પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા દરેક મુદ્દાઓને ધ્યાને લઈ લોકોને ન્યાય અપાય છે પરંતુ તેઓના આ પ્રયત્ન પણ નિષ્ફળ થયો છે.




વધુમાં જે તે સમયે સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ (પાણી પુરવઠા,પશુપાલન તથા ગ્રામ ગૃહ નિર્માણ ગુજરાત સરકાર) તેમણે માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને રોજગારી આપવા તા.૦૪/૦૬/૨૦૧૯ ના રોજ ભલામણ કરેલ ત્યારબાદ માનનીય સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા સાહેબએ પણ તારીખ ૨૩/૧૨/૨૦૧૯ ના રોજ માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અમોને રોજગાર આપવા ભલામણ કરેલ ત્યારબાદ માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમણે પણ તારીખ ૦૧/૦૧/૨૦૨૦ ના રોજ અમને રોજગારી આપવા માટે સચિવશ્રી (પુનઃ વસાવાટ) નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને પત્ર પણ લખ્યો હતો.





વધુમાં ગુજરાત સરકારના ન.જ.સં.પા.પુ. અને ક.વિભાગ સચિવાલય-ગાંધીનગરના તા.૩૦/૦૬/૨૦૨૦ ના પ્રતિ (૧) નાયબ સચિવશ્રી શ્રમ અને રોજગાર વિભાગ સચિવાલય ગાંધીનગર તેમજ (૨) કલેકટરશ્રી જિલ્લા તાપી-વ્યારા ને પણ પત્ર લખી રોજગારી પૂરી પાડવા આદેશો કર્યા છે,ત્યારબાદ માનનીય કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કાર્યલય-તાપી વ્યારા દ્વારા વર્ગ-૩ અને વર્ગ-૪ ની ખાલી જગ્યા પર રોજગાર આપવા માટે તા.૨૭/૦૮/૨૦૨૦ નારોજ ૬૪ જેટલા ગુજરાત સરકાર હસ્તક ચાલતા વિભાગો પર ખાલી પડેલ જગ્યાઓની માહિતી મંગાવવા માટે પત્ર લખવામાં આવ્યો હતો.





માનનીય કલેક્ટર સાહેબને શું આજ દિન સુધી આ ૬૪ વિભાગોએ ખાલી જગ્યાઓની માહિતી આપી જ નથી ?? અને જો તમને માહિતી મળેલ છે તો રોજગારી મળે એ માટે કેમ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી ?? ત્યારબાદ પણ તારીખ ૦૧/૦૨/૨૦૨૧ ના રોજ કલેક્ટરશ્રી તાપી ની ઓફિસ (કોન્ફરન્સ હોલમાં) ઉપસ્થિતિ સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા,ડો.જયરામભાઈ ગામીત (સિન્ડિકેટ મેમ્બર,દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત), ઉકાઈ અસરગ્રસ્ત/શિક્ષિત બેરોજગાર ૩૯૪ પૈકી ૧૧ આગેવાનો તેમજ પદાધિકારીઓ હાજર હતા.




આ મિટિંગમાં રોજગારી ભરતી મેળો યોજી રોજગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું રોજગાર ભરતી મેળાનો આયોજન જિલ્લા રોજગાર અધિકારી વ્યારાને સૂચના કરવામાં આવી પરંતુ બેરોજગાર યુવાઓને રોજગારથી વંચિત રાખવામાં આવ્યા છે.આ યોગ્ય નથી,ડેમ બન્યા ને આજે વર્ષો વીતી ગયા આદિવાસીઓની જમીનો તેમજ આવકનું સાધન ગુમાવ્યું છે પરંતુ હવે ધીરજ રાખવાની ક્ષમતા પૂર્ણ થાય છે, જો ૧૫ દિવસની અંદર ઉકાઈ ડેમના અસરગ્રસ્તો અને સ્થાનિક બેરોજગારોની માંગણીઓ સ્વીકારવામાં ન આવે તો ઉગ્રઆંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, અને તેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીઓની રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News