Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ રદ કરવા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની અપીલ

  • July 28, 2023 

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું છે કે, તે ચોક્કસ ગ્રેડનાં ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માટે ભારત સાથે ચર્ચા કરશે, કારણ કે આ પગલું વૈશ્વિક ફુગાવા પર અસર કરી શકે છે. ભારત સરકારે આગામી તહેવારો દરમિયાન સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને અંકુશમાં રાખવા માટે 20 જુલાઈના રોજ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, નોન-બાસમતી ચોખા અને બાસમતી ચોખા માટે નિકાસ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. બંને જાતો કુલ નિકાસમાં મોટો હિસ્સો ધરાવે છે. દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મુખ્ય અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં, આવા પ્રતિબંધો બાકીના વિશ્વમાં ખાદ્યપદાર્થોની કિંમતોને અસ્થિર કરે તેવી શક્યતા છે અને અન્ય દેશો દ્વારા બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.



તેથી અમે ચોક્કસપણે ભારતને આ પ્રકારના નિકાસ પ્રતિબંધો હટાવવા માટે ચર્ચા કરીશું કારણ કે તે વિશ્વ પર હાનિકારક અસર કરી શકે છે. ભારતમાંથી બિન-બાસમતી સફેદ ચોખા મુખ્યત્વે થાઈલેન્ડ, ઈટાલી, સ્પેન, શ્રીલંકા અને યુએસએમાં નિકાસ કરવામાં આવે છે. દરમ્યાન ભારત દ્વારા નોન-બાસમતિ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાયા બાદ ચોખાના આયાતકાર દેશો પોતાની જરૂરિયાતને પહોંચી વળવા ચોખાની નિકાસ કરતા દેશોની સરકારોનો જ સીધો સંપર્ક કરવા લાગ્યા છે. બીજી બાજુ પ્રતિબંધને કારણે ઘરેલુ બજારમાં ચોખાના ભાવમાં જોરદાર ઘટાડો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે.  ભારતના પ્રતિબંધ બાદ વૈશ્વિક સ્તરે પૂરવઠા ખેંચ ઊભી થવા ઉપરાંત અન્ન સલામતિની ચિંતા ઊભી થઈ છે. આફ્રિકાથી લઈને એશિયાના દેશો માટે આવનારા દિવસોમાં સ્થિતિ વણસવાની ચિંતા ઊભી થઈ છે.



ચોખાની નિકાસ પર ભારતના પ્રતિબંધને પગલે વિશ્વ બજારમાં ચોખાના પૂરવઠામાં વીસ ટકા ઘટાડો જોવા મળવા વકી છે, જેને કારણે આયાતકાર દેશો નિકાસકાર દેશોની સરકારોનો જ સીધો સંપર્ક કરવાની તૈયારીમાં છે. ઈન્ડોનેશિયા તથા ફિલિપાઈન્સની સરકારોએ પોતાના ચોખાની માગને પહોંચી વળવા ભારત સરકારનો સંપર્ક સાધવા નિકાસ કરાર કરવાની તૈયારીમાં હોવાનું સ્થાનિક ટ્રેડરોએ જણાવ્યું હતું. દરમિયાન ભારત દ્વારા ચોખાની નિકાસ પર પ્રતિબંધ બાદ ઘરઆંગણે ચોખાના ભાવમાં પ્રતિ ટન રૂપિયા 4 હજાર જેટલો ઘટાડો થયાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.



વ્હાઈટ ચોખાના ભાવ જે પ્રતિબંધ પહેલા પ્રતિ ટન રૂપિયા 32 હજાર કવોટ કરાતા હતા તે હાલમાં ઘટી રૂપિયા 28 હજાર બોલાઈ રહ્યાનું ધ રાઈસ એકસપોર્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન ખરીફ મોસમમાં ડાંગરની વાવણી સામાન્ય રહેવાની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ ખાતેના નેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા જણાવાયું છે. ઈન્સ્ટિટયૂટની આ ધારણાં બાદ દેશમાં ચોખાના ભાવ વધવાની ચિંતા હળવી થઈ છે. વર્તમાન ખરીફ મોસમના પ્રારંભમાં વાવણીમાં મંદ ગતિ અને નીચી ઉપલબ્ધતાને કારણે ચોખાના ભાવમાં વધારો થયો હતો. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં વધુ પડતા વરસાદ તથા પૂરની સ્થિતિને કારણે પાકને નુકસાન થયાના અહેવાલોએ પણ નીતિવિષયકોની ચિંતા વધારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application