હાલના સમયમાં રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોતના બનાવ સતત વધી રહ્યા છે.ત્યારે હવે એવી જ એક વધુ ઘટના જામનગરથી સામે આવી છે.ગરબા ક્લાસમાં એક 19 વર્ષીય યુવકને ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે છાતીમાં દુ:ખાવો થતા તે ઢળી પડ્યો હતો. જો કે,સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવાર સહિત વિસ્તારમાં ગમગીની છવાઈ છે.
નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.ગરબા ક્લાસીસ પણ જોરશોરથી શરૂ થઈ ગયા છે. આ વચ્ચે જામનગરમાં એક દુ:ખદ ઘટના બની છે. જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં ચાલતા ગરબા ક્લાસીસમાં સોમવારે રાતે 10 વાગ્યાની આસપાસ 125 જેટલા લોકોએ ગરબા પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે એક 19 વર્ષીય યુવકને અચાનક છાતીમાં દુ:ખાવો થતા તે ઢળી પડ્યો હતો.
સારવાર મળે તે પહેલા જ મોત
યુવકને જોઈ ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ ગયા હતા. તેમણે યુવકને ગભરામણ થઈ હોવાનું વિચારી ઠંડો પવન આપવાની કોશિશ કરી. ત્યાર બાદ બે ઘૂંટ પાણી પિવડાવવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ, યુવકે કોઈ પ્રતિસાદ ન આપતા તેણે નજીકની હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયો હતો. જો કે,ત્યાંના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે યુવકના પરિવાર અને વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે.જ્યારે સ્થાનિક પોલીસે યુવકનો મૃતદેહ પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500