જામનગરમાં ખાનગી નોકરી કરતા યુવાને બે લાખની મૂડી પર વ્યાજ સહિત ₹4,00,000 આપી દીધા હોવા છતાં પણ વ્યાજખોર આરોપીએ યુવાનને વિશ્વાસમાં લઈ,મકાનની લોન કરાવી વેચાણ કરાર કરાવી લઈ છેતરપીંડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે.
જામનગરમાં મધુવન સોસાયટી, સાંઢિયા પાસે રહેતા હેમેન્દ્રભાઈ મહેશભાઈ મહેતા એ વર્ષ 2018માં પાર્ક સોસાયટીમાં રહેતા અને વ્યાજ વટાઉનો ધંધો કરતા ઘનશ્યામભાઈ મોહનભાઈ પટેલ પાસેથી રૂપિયા બે લાખની રકમ વ્યાજ લીધી હતી ચાર વર્ષના ગાળા દરમિયાન હેમેન્દ્રભાઈએ આરોપીને રૂપિયા ચાર લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં વધુ વ્યાજ અને રૂપિયાની ઉઘરાણી કરી,વિશ્વાસમાં લઈ આરોપી ઘનશ્યામભાઈએ તેના નામની પંજાબ નેશનલ બેંકમાંથી રૂપિયા 13,75,000 ની લોન કરાવી, દિગ્વિજય પ્લોટ વાળા મકાનનો વેચાણ કરાર કરાવી લીધો હતો. જેને લઇને હેમેન્દ્રભાઈએ સીટી સી ડિવિઝન પોલીસ ઘનશ્યામ પટેલ સામે છેતરપિંડી ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે સપ્તાહ પૂર્વે સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં જ આરોપી ઘનશ્યામ મોહનભાઈ પટેલ સામે ચાર શખ્સોએ એકાદ કરોડ જેટલું વ્યાજ વસૂલવા સબબની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ કેસની તપાસ કરે તે પૂર્વે જ વ્યાજખોરનું અન્ય એક પ્રકરણ પોલીસ દરે પહોંચ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500