Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોંઘવારીનો વધુ એક આંચકો : હાઇવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોએ વધુ નાણાં ચૂકવવા પડશે

  • June 03, 2024 

દેશમાં લોકસભા ચૂંટણી પરિણામો પૂર્વે કેન્દ્ર સરકારે મોંઘવારીનો વધુ એક આંચકો આપ્યો છે. હવે હાઇવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોએ સોમવારથી વધુ નાણાં ચૂકવવા પડશે. સોમવારથી સમગ્ર દેશમાં રોડ ટોલ ટેક્સના દરમાં સરેરાશ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હાઇવે યુઝર ફીના વાર્ષિક રિવિઝનનો અમલ અગાઉ 1 એપ્રિલથી કરવામાં આવનાર હતો. પરંતુ લોકસભા ચૂંટણીના લીધે તે મોકૂફ રાખવામાં આવ્યો હતો.

વાર્ષિક પ્રક્રિયાનો ભાગ

એક વરિષ્ઠ NHAI અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, નવો ટોલ ટેક્સ 3 જૂન, 2024 થી લાગુ કરવામાં આવશે. ટોલ ચાર્જિસમાં આ ફેરફાર જથ્થાબંધ ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવાના ફેરફારો સાથે જોડાયેલા દરોમાં સુધારો કરવાની વાર્ષિક પ્રક્રિયાનો એક ભાગ છે. નેશનલ હાઈવે નેટવર્ક પર લગભગ 855 યુઝર ટોલ પ્લાઝા છે કે જેના પર નેશનલ હાઈવે ફી નિયમો, 2008 મુજબ યુઝર ચાર્જ વસૂલવામાં આવે છે.

બોજ મુસાફરો પર પડે છે

અધિકારીઓ કહે છે કે ટોલ ચાર્જમાં વધારો અને ઇંધણ ઉત્પાદનો પરના ટેક્સથી રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિસ્તરણમાં મદદ મળે છે. પરંતુ વિપક્ષો અને ઘણા વાહનચાલકો ટોલ ટેક્સમાં વાર્ષિક વધારાની ટીકા કરતા કહે છે કે તેનાથી આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન ખર્ચમાં વધારો થાય છે અને આખરે મુસાફરો પર તેનો બોજ પડે છે.


વાસ્તવમાં 1 એપ્રિલથી ટોલ ટેક્સ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ભારતીય ચૂંટણી પંચ એ NHAI ને લોકસભા ચૂંટણી પછી હાઈવે પર નવા ટોલ દરો લાગુ કરવા જણાવ્યું હતું. સામાન્ય રીતે દેશના મોટાભાગના ટોલ હાઈવે પરના દરો 1 એપ્રિલથી વધારવામાં આવે છે, પરંતુ ચૂંટણી પંચે કહ્યું કે નવા દરો લોકસભાની ચૂંટણી પછી જ લાગુ કરવા જોઈએ.ઉલ્લેખનીય છે કે, ભારતે છેલ્લા એક દાયકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિસ્તરણ માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે.જેની કુલ લંબાઈ લગભગ 146,000 કિલોમીટર છે. ભારતનું એક્સપ્રેસ વેનું રસ્તાનું નેટવર્ક દુનિયાનું બીજું સૌથી મોટું રોડ નેટવર્ક છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application