મુંબઇ પોલીસે એક સગીરાનું શોષણ કરવાના આરોપસર સાજીદખાન નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોતાને ગુજરાતી ફિલ્મોનો ડાયરેક્ટર ગણાવતા ખાન સામે પોલીસે પોક્સો અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે. ખાન સગીરાને ફિલ્મોમાં કામ અપાવવાને બહાને મુંબઇ લાવ્યો હતો અને સગીરાનું શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર પીડિતા મૂળ ગુજરાતની છે અને સોશિયલ મીડિયા પર વીડિયો-રિલ્સ બનાવી અપલોડ કરે છે.
પીડિત સગીરાની મુલાકાત તેના કાકાએ તારીખ 13 ડિસેમ્બરના રોજ ખાન સાથે કરાવી હતી. સગીરાના કાકાને એવો વિશ્વાસ હતો કે ખાન, સગીરાને એક્ટિંગ શિખવાડી તેને ફિલ્મોમાં કામ અપાવશે પોલીસ સૂત્રોનુસાર પીડિતાના પરિવારજનોએ પણ ખાન પર ભરોસો મૂક્યો અને આ વાતનો ફાયદો ઉઠાવી ખાન તારીખ 24 ડિસેમ્બરના પીડિતાને મુંબઇ લઇ આવ્યો અને અંધેરીની એક હોટલમાં રાખી હતી. ગત તારીખ 25મી ડિસેમ્બરના સવારે ખાને સગીરા સાથે જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ ઘટનાથી સગીરા ખૂબ જ ગભરાઇ ગઇ હતી અને હોટલ રૂમની બહાર દોડી ગઇ હતી. અહીંથી તે પોલીસ મથકમાં પહોંચી ગઇ હતી અને પોલીસને આ વાતની જાણ કરી હતી. આ ઘટના બાદ પોલીસની એક ટીમ ખાન જે હોટલમાં સગીરા સાથે રોકાયો હતો ત્યાં પહોંચી ગઇ હતી અને હોટલ રૂ મમાંથી ખાનની ધરપકડ કરી હતી. પોલીસે ખાન સામે પોક્સો સહિત IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને કોર્ટમાં હાજર કરવાની તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500