ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી જિલ્લાના વ્યારા ખાતે આઉટ સ્કેલીંગ ઓફ નેચરલ ફાર્મિગ થ્રો કેવિકેસ અંતર્ગત પ્રકૃતિક ખેતી વિષય ઉપર જાગૃતતા કાર્યક્રમ યોજયો હતો. જેમાં તાપી જિલ્લા માંથી ૨૧૦ ખેડૂત ભાઇ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તથા ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, હાલોલના માન.કુલપતિશ્રી ડૉ.સી.કે.ટીંબડિયાએ તાપી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક વાતાવરણને સાચવી રાખી રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરતાં થાય એ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં તેમણે મિશ્રપાકોનું મહત્વ જણાવી તેમા કઠોળ પાકો વાવવાનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં ઘનજીવામૃત ઉપયોગ કરવાની યોગ્ય સમજણ આપી હતી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા કરવામાં આવતા પ્રાકૃતિક ખેતીના કાર્યોને બિરદાવ્યા હતા. આગામી સમયમાં તાપી જિલ્લાના કેવિકેને પ્રાકૃતિક ખેતી માટેના પ્રચાર-પ્રસારના કાર્યો કરવા માટે દત્તક લેવાની વાત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ.સી.ડી.પંડયાએ બધાં મહેમાનોને આવકારી કાર્યક્રમવિષે માહિતી આપી હતી. ડૉ.પંડયાએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગેનો અવકાશ જણાવી પ્રાકૃતિક ખેતી માટે કેવિકે-તાપીના કાર્યો વિષે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો ખેતી અને આરોગ્ય વિષયક ઘણી સમસ્યાઓ નિવારી શકાય તેમ જણાવ્યું હતું. પ્રો.કુલદીપ રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) કેવિકે, વ્યારા દ્વારા પ્રાકૃતિક ખેતી એટલે શું, જીવામૃતના ફાયદાઓ અને જૈવિક ખાતરોના અયોગ્ય ઉપયોગથી થતી આડઅસરો વિષે વિગતવાર સમજણ આપી હતી. ડૉ. એચ.આર.જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)એ પ્રાકૃતિક ખેતી દ્વારા કરવામાં આવેલ પાકોમાં રોગ–જીવાત નિયંત્રણ વિષે માર્ગદર્શન આપ્યું હતું. એ. કે. પટેલ, પ્રોજેક્ટ ડાયરેકટર, આત્મા-તાપીએ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય લેવાની યોજનાકીય માહિતી આપી હતી.
જિલ્લા ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ ખેડૂતલક્ષી સહાય યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વ્યારા તાલુકાના બેડકુંવા ગામના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત નાનસિંગભાઈ ચૌધરીએ પોતાના અનુભવો ખેડૂતો જણાવ્યા હતા અને પ્રાકૃતિક ખેતીના સિધ્ધાંતો વિષે માહિતી આપી હતી. કાર્યક્રમનાં અંતે બધાં જ ખેડૂત ભાઇ-બહેનોએ કેવિકે ખાતે કરવામાં આવેલ પ્રાકૃતિક ખેતીના નિદર્શન પ્લોટની મુલાકાત કરી પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500