Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વસો ગામમાં બે કોમનાં જુથો સામસામે આવી જતાં તંગદીલીનો માહોલ સર્જાયો, સ્થળ ઉપર હાજર પોલીસ જવાનોએ સ્થિતિ સંભાળી

  • September 18, 2024 

ખેડા જિલ્લાનાં કઠલાલ, મહુધા બાદ હવે વસોમાં બે કોમ વચ્ચે બોલાચાલીનો બનાવ સામે આવ્યો છે. વસો ગામમાં મંગળવારે ગણેશ વિસર્જન યાત્રા સમયે શહેરની મુખ્ય મસ્જીદ પાસે ગુલાલ ઉડાડવા અને મસ્જીદ પાસે ઝંડો ફરકાવવા બાબતે બે કોમના જુથો સામસામે આવી જતાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. બંને કોમના ટોળા એકત્ર થઈ જતાં સ્થળ ઉપર હાજર પોલીસ જવાનોએ સ્થિતિ સંભાળી લીધી હતી. આ દરમિયાન એક પોલીસકર્મી સહિત બે લોકોને ઈજા પહોંચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


ત્યારે હાલ બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી. વસોમાં મંગળવારે બપોરે ૪ વાગ્યા બાદ ગણેશ વિસર્જન યાત્રા શહેરની મુખ્ય મસ્જીદ પાસેથી પસાર થઈ રહી હતી. અગાઉ નિર્ધારિત કર્યા મુજબ નમાઝનો સમય હોવાથી યાત્રા ૧૦ મિનિટ રોકવાની હતી. જોકે આ યાત્રા ત્યાં રોકાઈ નહતી. દરમિયાન યાત્રામાંથી કેટલાક શખ્સોએ સૌપ્રથમ ત્યાં હાજર લઘુમતિ કોમના લોકો પર ગુલાલ નાખ્યો હતો. બાદમાં મસ્જીદના ગેટ ઉપર ગુલાલ નાખી હતી. ત્યાં સુધી વાતાવરણ શાંત રહ્યું હતું. તેવામાં ધાર્મિક ગીતો વગાડીને ડાન્સ શરૂ કરી મસ્જીદ નજીક ભગવો ઝંડો ફરકાવવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.


બંને કોમના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પાઈપ, લોખંડના સળિયા સહિતના સાથે લોકો સામસામે આવી ગયા હતા. જોકે સ્થળ ઉપર અગાઉથી હાજર સુરક્ષા જવાનોએ સ્થિતિ સંભાળી લઈ મામલો શાંત પાડયો હતો. આ બનાવમાં એક પોલીસ કર્મી અને એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો વસોમાં ખડકાયો હતો. ગામમાં મોડી સાજે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તેમજ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, બે પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. તે સિવાય મોટુ કંઈ નથી. આ અંગે બંને પક્ષો દ્વારા જે લેખિત રજૂઆત કરાશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application