મુંબઈમાં પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અનેક ઉપાયયોજનાને અમલમાં મૂકી છે.છતાં દિવાળીના તહેવાર દરમિયાન પ્રદૂષણનું સ્તર વધવાની શક્યતા છે તેને ધ્યાનમાં રાખીને પાલિકાએ રસ્તા પર ગમે ત્યાં કચરો બાળનારા સામે આકરા પગલા લેવાની ચીમકી આપી છે. એટલું જ નહીં પણ પાલિકાએ મુંબઈગરાને રસ્તા પર ગમે ત્યાં કચરો બાળનારાઓની ફરિયાદ કરવાની અપીલ કરી છે.
મુંબઈ મહાનગરપાલિકાના વેસ્ટ મેનેજમેન્ટ નિયમાવલી અનુસાર મુંબઈની હદમાં કચરો બાળવો ગુનો છે. કચરો બાળનારા વિરોધ દંડાત્મક કાર્યવાહી કરીને તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. મુંબઈમાં જાહેર સ્થળે કોઈ પણ કચરો બાળતા દેખાયો તો તેની ફરિયાદ ‘મુખ્યમંત્રી સ્વચ્છ મુંબઈ હેલ્પલાઈન ૮૧૬૯૬-૮૧૬૯૭’ પર કરવાની અપીલ પણ કરવામાં આવી છે. એ સાથે તેના ફોટા પણ લિંક કરવાનું કહેવામાં આવ્યું છે.ઍર પોલ્યુશન અને મુખ્યત્વે ધૂળને નિયંત્રણમાં લાવવા માટે પાલિકા અનેક ઉપાયયોજના અમલમાં મૂકી રહી છે. તો આ ઉપાયયોજનાનું ઉલ્લંઘન કરીને ઍર પોલ્યુશન કંટ્રોલના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર શાસનના પર્યાવરણ અને વાતાવરણીય વિભાગ મારફત ૨૬ ઑક્ટોબર, ૨૦૨૩ના ઍર પોલ્યુશનને નિયંત્રણમાં લાવવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, તેમાં શહેરમાં કચરો બાળવાને લગતી ફરિયાદ કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખુલ્લામાં કચરો બાળવો એ ભારતીય કાયદા મુજબ ગુનો છે, તે માટે કાયદામાં આકરી દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ છે. છતાં નાગરિકો ખુલ્લામાં કચરો બાળીને તેનો નિકાલ લાવીને કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે.પ્રદૂષણને લગતી ફરિયાદ કરવા માટે પાલિકા દ્વારા નાગરિકોને સતત અપીલ કરવામાં આવી રહી છે, છતાં નાગરિકો તરફથી પાલિકાની આ અપીલને અત્યંત મોળો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પાલિકાના ઘનકચરા વિભાગ સાથે સંક્ળાયેલા અધિકારીએ કહ્યું હતું. ૨૩ ઑક્ટોબર, ૨૦૨૩થી અત્યાર સુધી માંડ ૪૦ જેટલી ફરિયાદો આવી છે, જેમાં કચરો બાળવાથી લઈને ક્ધસ્ટ્રકશન સાઈટ પર થતી ધૂળ વગેરેનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500