ચોમાસામા પુરબહારમા ખીલી ઉઠતી ડાંગની ગિરિકંદરાઓની મોજ માણતા, પ્રકૃતિપ્રેમી પર્યટકોના ટોળેટોળા ડાંગ તરફ ઉમટી પડ્યા છે.શનિ, રવિની રજામા ઝરમર ઝરમર વરસતા વરસાદમા ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તથા રાજસ્થાનથી પણ પ્રવાસીઓ ડાંગના આંગણે આવીને, સહ્યાદ્રિની ગિરિકંદરાઓ તથા લીલીછમ્મ વનરાજીના નયનરમ્ય નજારાને માણી રહ્યા છે.
અંકલેશ્વથી ડાંગના ચોમાસાની ખૂબસૂરતીને માણવા આવેલા શ્રી સુરેશ વાંસિયા એ, ચોમાસાની ખરી મઝા તો ડાંગમા જ આવે છે તેમ જણાવતા અહીંની ખૂબસુરતીના બે મોઢે વખાણ કર્યા હતા. તો બારડોલીના કિશોર મૈસૂરિયાએ તેઓ વર્ષભર જુદી જુદી ઋતુમા ડાંગના પ્રવાસે આવે છે, પરંતુ પ્રકૃતિનો ખરો આનંદ ચોમાસાની મોસમમા જ માણી શકાય છે તેમ જણાવ્યુ હતુ.
નવસારીના ગોપાલ પુરોહિતે ડાંગની પ્રકૃતિને તેમના ગ્રુપે મનભરીને માણી છે, તેમ જણાવી અહીં ચોમાસામા કેરાલા જેવી પ્રકૃતિ ખીલી ઉઠે છે તેમ જણાવ્યુ હતુ. તેઓ તેમના પોણો ડઝન દોસ્તો સાથે ડાંગને બે દિવસથી એન્જોય કરી રહ્યા છે તેમ જણાવી, અહીં આવતા પર્યટકોને પ્રકૃતિ સાથે અહીંના સૌંદર્યનુ જતન કરવાનુ આહવાન કર્યું હતુ.
દોસ્તી ટ્રાવેલ્સના સંચાલક આરીફ ભાઈએ ખાસ કરીને ચોમાસામા તેમના કસ્ટમરોની પહેલી પસંદ ડાંગ જિલ્લો હોય છે તેમ જણાવી, તેઓ અત્યાર સુધી હજારો પ્રવાસીઓને ડાંગની સેર કરાવી ચુક્યા છે તેમ સહર્ષ જણાવ્યુ હતુ.બારડોલીના સાગર ઠક્કર તથા જય પંડ્યાએ તેમના ગ્રુપ સાથે વરસતા વરસાદમા ડાંગની મુલાકાત લઈને, ડાંગના વરસાદી માહોલને મનભરીને માણ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા ખાસ કરીને ચોમાસા દરમિયાન ઝરમર ઝરમર વરસતા વરસાદમા પર્યટકો અહીંના ભીના ભીના મોસમની મઝા માણતા, ગીરા ધોધ અને ગિરમાળ ધોધ સહિતના નાના મોટા અસંખ્ય જળધોધ ઉપરાંત ગિરિમથક સાપુતારા, ડોન, શબરીધામ અને પંપા સરોવર સહિત ઠેર ઠેર નવપલ્લવિત થઈ ઉઠતી પ્રકૃતિના બદલાતા રંગોને નિહાળવા આવતા હોય છે.ત્યારે જિલ્લા વહીવટી તંત્ર પણ પ્રવાસીઓની સલામતી માટે ઠેર ઠેર ફરજરત રહી, જોખમી ફોટોગ્રાફી અને સેલ્ફી ન લેવાની સમજ સાથે ઘાટમાર્ગોમા સલામત રીતે ડ્રાઇવિંગ કરવાની શીખ આપી, જાહેરમાર્ગો ઉપર આડેધડ વાહનો પાર્ક નહિ કરવાનુ માર્ગદર્શન આપી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500