ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકથી તુરંત જ મૃત્યુ થવાના 2853 કેસ નોંધાયા છે. હાર્ટ એટેકથી તુરંત મૃત્યુ થયા હોય તેમાં 2529 પુરુષ અને 324 મહિલાનો સમાવેશ થાય છે. તબીબી ભાષોમાં હિંસક ઘટનાને બાદ કરતાં કોઇ વ્યક્તિ ગણતરીની મિનિટમાં મૃત્યુ પામે તો તેને 'સડન ડેથ' તરીકે ગણવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે હાર્ટ એટેક અને બ્રેઇન હેમરેજનો સમાવેશ થાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)નાં વર્ષ 2022ના અહેવાલ પ્રમાણે હૃદય રોગનો હુમલો થવાથી તુરંત જ મૃત્યુ (સડન ડેથ) થયું હોય તેવી સમગ્ર દેશમાં 31,900 ઘટના નોંધાઈ છે.
જેમાં 27,556 પુરુષ-4241 મહિલા અને 3 ટ્રાન્સજેન્ડર્સનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર 12591 સાથે મોખરે, કેરળ 3993 સાથે બીજા, ગુજરાત ત્રીજા, કર્ણાટક 2070 સાથે ચોથા અને મધ્ય પ્રદેશ 1672 સાથે પાંચમાં સ્થાને છે. વર્ષ 2022માં ગુજરાતમાં તમામ કારણોથી સડન ડેથથી 3081ના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. ગુજરાતમાં વર્ષ 2021માં હાર્ટ એટેકથી તુરંત મૃત્યુ થયાની કુલ 2948 ઘટના નોંધાઈ હતી. જેમાં 2611 પુરુષ અને 339 મહિલાનો સમાવેશ થાય છે. આમ, બે વર્ષમાં 5801 વ્યક્તિએ ગુજરાતમાં હૃદયરોગના હુમલા બાદ તુરંત જ જીવ ગુમાવ્યો છે. ગત વર્ષે સમગ્ર દેશમાં હૃદયરોગના હુમલા બાદ 27998 વ્યક્તિના તુરંત જ મૃત્યુ થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500