Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ સાયબર ક્રાઈમે લોકોને ફસાવનાર સાયબર ગઠિયા ગેંગનો પર્દાફાશ કર્યો

  • April 19, 2024 

સાયબર ગઠિયાઓ લોકોને પોતાની જાળમાં ફસાવવા કોઈપણ રીતના અલગ અલગ નુસખાઓ અપનાવી રહ્યા છે અને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઇમમાં એક અલગ પ્રકારની ફરિયાદ નોંધાય છે જેમાં કંપનીમાંથી દવાનો ઓર્ડર કરી કેન્સલ કર્યો હોય અને ત્યારબાદ ખરાબ રીવ્યુ આપેલા હોવાનું કહી લોકો પાસેથી છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ છે. અમદાવાદમાં થોડા દિવસ પહેલા અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી જેમાં ફરિયાદીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે તે સાયબર ક્રાઈમનાં પીએસઆઇ હેમંતસિંહ વાત કરે છે અને ફરિયાદીએ અર્બન મેટ્રો કંપનીમાં એક દવાનો ઓર્ડર કર્યો હતો જે બાદ તે ઓર્ડરને ફરિયાદીએ રિજેક્ટ કર્યો હતો અને તેના વિશે રીવ્યુમાં ખરાબ પ્રતિભાવો આપેલા હતા. જેથી અર્બન મેટ્રો કંપનીએ ફરિયાદી ઉપર કેસ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે બાદ ફરિયાદીને મોબાઇલ પર એક ખોટી નોટિસ પણ આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે તેઓ જો સમાધાન કરવા માંગતા હોય તો 30,000 રૂપિયા દંડ ભરવો પડશે અથવા તો ત્રણ મહિનાની જેલની સજા ભોગવી પડશે. જે નંબર પરથી ફરિયાદીને ફોન આવ્યો હતો તેમાં પીએસઆઇનો ફોટો પણ રાખવામાં આવ્યો હતો. જોકે ફરિયાદીને શંકા જતા તેણે સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો તો જાણવા મળ્યું કે હેમંતસિંહ નામના કોઈ પીએસઆઇ સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવતા નથી. જેના આધારે ફરિયાદીએ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે  બે આરોપીઓની ધરપકડ કરી છે.


પોલીસે ફરિયાદના આધારે અજય ઉર્ફે અજજુ વર્મા અને હિમાંશુ પરમારની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અજય મૂળ યુપીનો છે અને હાલ અમદાવાદમાં રહે છે. આરોપી અજય થોડા સમય પહેલા એક આયુર્વેદિક કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. અજય એક વખત તેની દવાના માર્કેટિંગ મામલે કોઈ વ્યક્તિને ફોન કરેલો હતો અને તે વ્યક્તિએ અજયને જણાવ્યું હતું કે અમારા ઉપર ફ્રોડ થયું છે અને અમને નોટિસ મળેલી છે. જેથી અજયે તે નોટિસ મેળવી લીધી હતી અને તેણે તે નોટિસ ઉપરથી અન્ય લોકો સાથે ફ્રોડ કરવાની પ્રેરણા મેળવી હતી.


જે બાદ અજય તેના મિત્ર હિમાંશુ સાથે મળી છેલ્લા બે મહિનાથી અલગ અલગ લોકોનો સંપર્ક કરી તેને ધમકાવતો હતો અને ખોટી નોટીસો બનાવી તેની પાસેથી પૈસા પડાવતો હતો. આરોપી અજય અને હિમાંશુ સાથે મળીને છેલ્લા બે મહિનાથી  પૈસા પડાવવાનો ધંધો કરી રહ્યા હતા. આરોપી હિમાંશુ જે અંકુશ આયુર્વેદિકમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો ત્યારે અંકુશ આયુર્વેદના નામે ફેસબુકમાં એક જાહેરાત ચલાવતા હતા, તે એડમાં જે ડેટા જનરેટ થતો હતો તે અજય મેળવતો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે કોઈ લોકો આયુર્વેદિક કંપની સર્ચ કરતા હોય તેનો ડેટા પણ અજય મેળવી લેતો હતો. મેળવેલા ડેટાના આધારે અજય લોકોને ફોન કરતો હતો અને ખોટી નોટિસ મોકલી ડરાવી ધમકાવી પૈસા પડાવતો હતો.


પોલીસની તપાસ અને પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે છેલ્લા બે મહિનામાં અજય અને હિમાંશુ દ્વારા 40 થી 45 લોકોને પોતાનો શિકાર બનાવી પાંચ લાખથી વધુ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. પોલીસને અજયના મોબાઇલમાંથી અલગ અલગ લોકોના નામની 20 જેટલી ખોટી નોટિસ મળી આવી છે તેમજ 25 જેટલી ખોટી નોટીસ અજય ડીલીટ કરી હોવાનું પણ સામે આવ્યું છે. બંને સાથે મળીને ગુજરાત તેમજ અન્ય રાજ્યના લોકોને પણ પોતાનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે અજય અને હિમાંશુ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ બંને વિરૂદ્ધ સરગાસણ પોલીસ મથકમાં પણ એક ફરિયાદ નોંધાયેલી છે. જોકે પોલીસ તપાસ કરી રહી છે કે આ બંને વિરુદ્ધ અન્ય કેટલી જગ્યાઓ પર ફ્રોડની ફરિયાદ નોંધાય છે અને આ ગેંગમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application