Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિધાનસભાની ચુંટણી પહેલા તાપી જિલ્લામાં આઉટસોર્સિંગના કર્મચારીઓએ બાંયો ચઢાવી, વિવિધ માંગણીઓ સાથે તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપ્યું - જાણો શું છે માંગણીઓ

  • September 15, 2022 

વિધાનસભાની ચુંટણી નજીક આવતા વિવિધ સંગઠનો દ્વારા પોતાની રજૂઆતો અને માંગોને લઇ સરકારને આવેદનપત્ર આપી રજૂઆત કરી રહ્યા છે,ત્યારે આજરોજ તાપી જિલ્લામાં પણ આઉટસોર્સિંગના કર્મચારીઓએ બાંયો ચઢાવી છે,ગુજરાત સરકાર અંતર્ગત કરાર આધારિત આઉટસોર્સ અને રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા અથવા યોગ્ય પગાર નીતિ બનાવવા માટેની વિવિધ માંગણીઓ સાથે તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.





કરાર આધારિત આઉટસોર્સ અને રોજમદાર તરીકે ખૂબ જ કઠિનાઈથી ઓછા પગાર અને શોષણની અંદર કામગીરી કરવી પડી રહી છે

તાપી જિલ્લામાં આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા આજરોજ તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી કરવામાં આવેલ રાજુઆત અનુસાર આજે ગુજરાત સરકારના હાથ પગ એવા શરીરના અંગો જેવા નાનકડા કર્મચારીઓ માથે કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓના બોજ ખડકાયેલ હોય છે અને કરાર આધારિત આઉટસોર્સ અને રોજમદાર તરીકે ખૂબ જ કઠિનાઈથી ઓછા પગાર અને શોષણની અંદર કામગીરી કરવી પડી રહી છે ગુજરાત આજે એક મોડેલ સ્ટેટ તરીકે સમગ્ર ભારતની એક છાપ છોડી રહ્યું છે,ત્યારે ગુજરાત મોડેલને તમામ દિશાઓમાં આગળ રાખવા માટે કર્મચારી પોતાનો ખૂન પસીનો એક કરીને સતત કામગીરી કરી રહ્યા છે આપ સાહેબને વધુમાં આગળ ધ્યાન દોરતા જણાવવાનું કે ગુજરાતની અંદર સરકારી વિભાગ હોય કે પછી કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજનાઓમાં કામગીરી કરતા કર્મચારી હોય કે જેઓ સમાન હોદ્દા કે સમાન કેડરના હોય તો તેમના પગારમાં ઘણા તફાવત હોય છે જેનું ખાસ કારણ એ છે કે ગુજરાતની અંદર કરાર આધારિત આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીઓ માટે કોઈ યોગ્ય પગાર અંગેની નીતિ નથી જેથી ખૂબ જ અન્યાય થાય છે.



કર્મચારીઓને કેટલીક રજૂઆત નીચે મુજબ છે જેમાં નિર્ણય લેવાની વિનમ્ર રજૂઆત કરવામાં આવી

(૧) ગુજરાત સરકારની અંદર કામગીરી કરતા તમામ કરાર આધારિત આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન કામ સમાન વેતન અંતર્ગત સમાન કેડરના કર્મચારીઓની જેમ પગારના તમામ લાભો આપવામાં આવે.

(૨) કાયમી કર્મચારીઓને મળતી રજાઓના લાભો, મેડિકલ કવરના લાભો, એલટીસી અને જીવન વીમા ના લાભો આપવામાં આવે.

(૩) સરકારી કર્મચારીઓને મળતા જીપીએફ અને સીપીએફના લાભો આપવામાં આવે

(૪) રાજ્યોની અંદરથી બે વર્ષ માટેના ટૂંકા ગાળાને બાદ કરતા તમામ લાંબા ગાળાની જગ્યાઓ અને યોજનાઓમાં આઉટસોર્સ નાબૂદ થાય અને તેવા તમામ કર્મચારીઓને સરકારના પ્રવાહોમાં સમાવી લેવામાં આવે.

(૫) સરકારની અલગ અલગ યોજનાઓના લાભોને લોકો સુધી માત્ર કમિશન મેળવીને પહોંચાડવાની કામગીરી કરતા કર્મચારીઓને યોગ્ય પગાર સ્કેલ અને કેડર નક્કી કરીને સરકારના પ્રવાહમાં સમાવવામાં આવે.




આજના સમયમાં ખૂબ જ મોંઘવારીનો માર  પડી રહ્યો છે

તમામ લાભો ગુજરાત સરકારના તમામ વિભાગોના કરાર આધારિત આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીઓને મળે તેવી વિનંતી છે, ભારતના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે હિમાચલ પ્રદેશ, હરિયાણા,ચંદીગઢ, મણીપુર, આસામ, ઓડીસા, આંધ્રપ્રદેશ, તેલંગાના, દમણ દીવ વગેરેમાં આવા તમામ પ્રકારના કર્મચારીઓને કાયમી કરવા કે કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા અંગેનો નિર્ણય કરેલ છે અને તેમના જીવનમાં ખુશીઓ લાવેલ છે આજના સમયમાં ખૂબ જ મોંઘવારીનો માર જ્યારે પડી રહ્યો છે,ત્યારે જો ઉપર મુજબની રજૂઆતો પર કોઈ ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારમાં લેવામાં આવે તો ખૂબ જ હર્ષની લાગણી ફેલાઈ જશે તેવું જણાવી કર્મચારીઓએ તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરી છે.ત્યારે જોવાનું એ રહે છે કે સરકાર કેટલા સમયમાં આ કર્મચારીઓની રજૂઆતો ને ધ્યાનમાં લઇ યોગ્ય નિરાકરણ લાવશે..










લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application