ડાંગમા ઓસરેલા પૂરના પાણીએ ઠેર ઠેર સર્જેલી તારાજીના સાચા આકલન બાદ જિલ્લાના માર્ગો, પુલો, કોઝ વે અને વીજળી સહીત સંદેશા વ્યવહારની સેવાઓ સત્વરે બહાલ કરવાની તાકીદ કરતા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ, જિલ્લાના અધિકારીઓને ટીમ બનાવી તાત્કાલિક સર્વેની કામગીરી પૂર્ણ કરવાની સુચના આપી હતી.
જિલ્લા સેવા સદન ખાતે મળેલી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા કલેકટર શ્રી ભાવિન પંડયા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ એ, જિલ્લાના જુદા જુદા વિભાગોને પરિસ્થિતિનો સાચો ચિતાર મેળવી અસરગ્રસ્તોને તત્કાલીન સહાય ચુકવવાની દિશામા કાર્યવાહી કરવા અંગેનુ માર્ગદર્શન આપ્યુ હતુ.ખાસ કરીને પશુ અને માનવ મૃત્યુના કેસમા સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરવાની સુચના આપતા આ ઉચ્ચાધિકારીઓએ જિલ્લામા વન વિભાગ અને પોલીસ વિભાગના અસરકારક નેટવર્કનો બખૂબી ઉપયોગ કરીને ગત સપ્તાહ દરમિયાન ઉદ્ભવેલી વિકટ પરિસ્થિતિમા જિલ્લાના સૌ વિભાગોએ હાથ ધરેલી કામગીરીની સરાહના કરી હતી.
કલેકટર શ્રી પંડયાએ મુશળધાર વરસાદમા પણ ડાંગ જિલ્લામા ચાલી રહેલી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' તેના નિયત રૂટ ઉપર સફળતાપુર્વક આગળ વધી રહી છે તે બાબતની સુખદ નોંધ લઈ, યાત્રા સાથે જોડાયેલા અધિકારી, કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.બેઠકમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે જિલ્લામા ઉદ્ભવેલી સ્થિતિ અંગે તેમની ગ્રામીણ વિસ્તારોની શ્રેણીબદ્ધ મુલાકાતોની કેફિયત રજુ કરી, આ અંગે મળવાપાત્ર સહાય સહીત સર્વેની કામગીરીમા જિલ્લાના પદાધિકારીઓની તમામ પ્રકારના સહયોગની ખાતરી સાથે, દાતાઓના સહકારથી અસરગ્રસ્ત પરિવારોને રાશન કીટ જેવી તાત્કાલિક મદદ માટે સૌના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500