અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને તેના પતિ રાજ કુન્દ્રા પર ગોલ્ડ સ્કીમ થકી લોકો સાથે છેતરપિંડીના આરોપ લાગ્યા છે. આ કેસમાં મુંબઈની એક કોર્ટે પોલીસને તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. અહેવાલ મુજબ રિદ્ધિ સિદ્ધિ બુલિયન્સના એમડી પૃથ્વીરાજ કોઠારીએ આ મામલે કોર્ટમાં ફરિયાદ કરી છે, જે મુજબ આ કેસમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સિવાય અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
આ કેસની સુનાવણી કરી રહેલા એડિશનલ સેશન જજ એન.પી. મહેતાએ જણાવ્યું છે કે, કુન્દ્રા દંપતીની કંપની સતયુગ ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ અને તેના બે ડિરેક્ટર અને એક કર્મચારી સામે પ્રથમ દૃષ્ટિએ કોગ્નિઝેબલ ગુનો નોંધાવો જોઈએ. કોર્ટે BKC પોલીસ સ્ટેશનને કોઠારીની ફરિયાદની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. એડિશનલ સેશન્સ જજે પોલીસને કહ્યું કે, જો તપાસમાં કોગ્નિઝેબલ ગુનો જોવા મળે તો છેતરપિંડી અને ફોજદારી ભંગની કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી જોઈએ.
વકીલ હરિકૃષ્ણ મિશ્રા અને વિશાલ આચાર્ય દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કોઠારીએ કહ્યું છે કે, કુન્દ્રા દંપતીએ 2014માં એક સ્કીમ શરૂ કરી હતી. કોઠારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓએ કથિત કાવતરું ઘડ્યું હતું અને નકલી પ્લાન બનાવીને લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. કથિત સ્કીમમાં ફરિયાદીએ 5 વર્ષ માટે 90.38 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને સામે પક્ષે ખાતરી આપવામાં આવી હતી કે 5,000 ગ્રામ એટલે કે 5 કિલો 24 કેરેટ સોનું 2 એપ્રિલ, 2019ના રોજ આપવામાં આવશે.
જોકે પાકતી તારીખે કે પછી ક્યારેય સોનું આપવામાં આવ્યું નથી. આ વર્ષની શરૂઆતમાં રાજ કુન્દ્રા પોન્ઝી સ્કીમ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDના રડારમાં આવ્યા હતા. આ કેસમાં તપાસ એજન્સીએ મુંબઈમાં શિલ્પા શેટ્ટીના નામે નોંધાયેલ ફ્લેટ સહિત રૂપિયા 97.79 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ અગાઉ રાજ કુન્દ્રાનું નામ પોર્નોગ્રાફી કેસમાં પણ સામે આવ્યું હતું. હવે ગોલ્ડ સ્કીમ દ્વારા છેતરપિંડીનો મામલો તેમની મુશ્કેલીઓ વધારી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500