જાણીતા અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેતરી કઝગમ (TVK)ની રવિવારે બેઠક યોજાઈ. જેમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા દેશમાં એકસાથે ચૂંટણી યોજવાના નિર્ણયનાં વિરોધમાં પ્રસ્તાવ પાસ કરાયો. TVKએ નીટ પરીક્ષા વક્ફ સંશોધન બિલના વિરોધમાં પણ પ્રસ્તાવ પસાર કર્યો. TVKની બેઠકની અધ્યક્ષતા પાર્ટી અધ્યક્ષ વિજય થલાવતિ દ્વારા કરાઈ હતી. આ બેઠકમાં તમિલનાડુની ડીએમકે સરકારની પણ નિંદા કરાઈ. ટીવીકેનું કહેવું છે કે, તમિલનાડુમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. TVKએ શિક્ષણને સમવર્તી યાદીના બદલે રાજ્ય યાદીમાં સામેલ કરવાની પણ માગ કરી છે.
TVKએ પોતાના પ્રસ્તાવમાં કહ્યું છે કે, જો કેન્દ્ર સરકાર શિક્ષણને રાજ્ય યાદીમાં સામેલ કરે છે, તો રાજ્ય સરકાર પોતાની રીતે જ NEETને રદ કરી શકે છે. ટીવીકેએ રાજ્યની ડીએમકે સરકાર પર તમિલનાડુનાં લોકોને ખોટા વાયદા આપવાની સાથે દગો આપવાનો પણ આરોપ લગાવ્યો. ઉલ્લેખનીય છે કે, એક્ટર વિજય થલાપતિએ નવી પાર્ટી TVKની રચના કરી છે. TVKનું પહેલું સંમેલન ગત રવિવારે આયોજિત કરાયું. પહેલા સંમેલનમાં ભારે ભીડ એકઠી કરીને વિજય થલાપતિએ રાજકીય પાર્ટીઓની ચિંતા વધારી દીધી છે. પાર્ટીના પહેલા સંમેલનમાં પણ વિજયે સત્તાધારી ડીએમકે પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તમિલનાડુમાં બદલાવની જરૂર છે. ભાજપ ટીવીકેની વૈચારિક પ્રતિસ્પર્ધા છે, જ્યારે ડીએમકે રાજકીય વિરોધી પાર્ટી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500