પોલીસ મથકમાંથી મળતી વિગત મુજબ ફોર્ચ્યુનર કાર નંબર GJ-15-CG-3208 ના ચાલક 22 વર્ષીય રોહિત વિજેન્દ્ર શર્મા વાપી તરફ આવતો હતો. ત્યારે બલિઠા નહેર,બ્રહ્મદેવ મંદિર નજીક બાઇક પર સવાર 2 યુવકોને અડફેટે લેવા સાથે હાઇવે નજીક બનાવેલ એક પરબ ને પણ જમીનમાથી ઉખેડી દૂર સુધી ઢસડી હતી. ઘટના બાદ પોલીસે મૃતક પરિવારના મોભી ની ફરિયાદ આધારે કાર ચાલક સામે તપાસ હાથ ધરી હતી.
વલસાડ જિલ્લાના વાપીમાં શનિવારનો દિવસ કાળ બનીને આવ્યો હતો. જેમાં વાપી નજીક બગવાડા ટોલ પ્લાઝા નજીક બપોરે કોન્ક્રીટ મિક્સર ટ્રક અચાનક પલ્ટી મારી જતા તેની પાછળ આવતું કન્ટેનર અને ટ્રક ધડાકાભેર અથડાયા હતા. જેમાં કોન્ક્રીટ મિક્સર ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે આ અકસ્માત બાદ મોરાઈ ફાટક નજીક નેશનલ હાઇવે પર બાઇક લઈને પોતાના ગામ સારણ જતા અમરતભાઈ સુરતીને ટ્રક ચાલકે અડફેટે લેતા અમરતભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટના શનિવારે સાંજે 7:30 વાગ્યા આસપાસ બની હતી. જે બાદ ત્રીજી ઘટના બલિઠા નજીક બ્રહ્મદેવ મંદિર પાસે નેશનલ હાઇવે નંબર 48 પર બની હતી.જેમાં એક ફોર્ચ્યુનર કારના ચાલકે બાઇક પર સવાર 2 યુવકોને અડફેટે લેતા બંને બાઈક સવારનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટના અંગે પોલીસ મથકમાંથી મળતી વિગત મુજબ વલસાડ જિલ્લાના મોગરાવાડીમાં રહેતા 18 વર્ષીય શિવમ અનુપકુમાર શર્મા અને ધરાનાગર વલસાડના રહેવાસી 24 વર્ષીય મોહંમદ ઇઝહાર ઉર્ફે મોનું મોહમ્મદ ઇસ્લામખાન ઉદવાડા નજીક હોટેલ બનાવવા માટેનો જરૂરી સમાન લેવા નીકળ્યા હતાં. જે બાદ રાત્રે બલિઠા બ્રહ્મદેવ મંદિર નજીક પસાર થઈ રહ્યા હતાં. ત્યારે અચાનક જ એક ફોર્ચ્યુનર કાર ના ચાલકે તેમને અડફેટે લેતા બંને બાઇક સવારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
આ બને અકસ્માત મોતની ઘટનામાં પોલીસે મૃતકોના મૃતદેહનો કબ્જો લઈ ચલા PHC ખાતે પોસ્ટમોર્ટમ કરાવી ત્રણેય મૃતદેહ મૃતકોના પરિવારજનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બલિઠા નજીક હાઇવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ બનાવ્યો ના હોય આ માર્ગ અકસ્માત ઝોન બન્યો છે. જ્યાં આ પહેલા પણ અનેક ગમખ્વાર અકસ્માતમાં કેટલાય પરિવારના લાડકવાયા મોતને ભેટ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500