કપરાડાના ઘોટણ ગામનાં ભાઈઓ બાઈક લઈને કપરાડાના અકસ્માત ઝોન તરીકે કુખ્યાત કુંભઘાટ ઉતરી રહ્યા હતા. તે સમયે પાછળથી અચાનક આવી ગયેલા ટેમ્પો ચાલકે ટેમ્પો બાઈકના પાછળથી અથડાવીને અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર રોડ પર પટકાતાની સાથે જ બે પૈકીના એક બંધુ પરથી ટેમ્પોના ટાયર તેમના શરીર ઉપરથી ફરી વળતાં ઘોટણના રહીશનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, કપરાડાના ઘોટણ ગામના મૂળગામ પટેલ ફળિયાના રહીશ કાશીનાથભાઈ લક્ષ્મણભાઈ ભોયાના પુત્રો રોશન અને સુનિલ પારડી તાલુકાના મોટા વાઘછીપા ગામે આવેલી આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરે છે. તેમના પિતા કાશીનાથભાઈ પુત્રોને મળવા માટે તેમના નાના ભાઈ કલ્પેશ સાથે બાઈક લઈને પુત્રોને મળીને પરત આવી રહ્યા હતા. તે સમતે બંને ભાઈને કુંભઘાટ ખાતે આવેલા કપરાડા નાનાપોંઢા રોડનો ઢોળાવ ઉતરી રહ્યા હતા. સ્પીડ બ્રેકર આવતા, બાઈક ચાલક કલ્પેશે તેની બાઈકની ગતિ ધીમી કરી દીધી હતી.
તે સમયે કુંભઘાટ ઉતરી રહેલો ટેમ્પોના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક કલ્પેશ અને તેમના મોટા ભાઈ કાશીનાથભાઈ રોડ પર પટકાયા હતા. આ દરમિયાન ટેમ્પોના ટાયર કાશીનાથભાઈના શરીર ઉપરથી ફરી વળતા ગંભીર ઈજા થવાથી તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં બાઈક ચાલક કલ્પેશને પ્રમાણમાં ઓછી ઈજા થઇ હતી. જે બાબતે કલ્પેશભાઈ ભોયાએ અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક સામે કપરાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500