સુરતમાં રાજ્ય વેરા વિભાગનો એક અધિકારી લાંચ લેતા ACBનાં હાથે ઝડપાઈ ગયો છે. નિલેશભાઈ બચુભાઈ પટેલ નામના આ અધિકારીને ACBએ રૂપિયા 15,000ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા છે. આ ઘટનાથી સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર સામે ચાલી રહેલી કાર્યવાહી વધુ મજબૂત બની છે. મળતી માહિતી અનુસાર, આ કેસના ફરિયાદી એક દુકાન ધરાવીને વેપાર કરે છે અને તેઓ નિયમિત રીતે વેપાર વેરો ભરતા આવ્યા છે.
ફરિયાદીને કાયદેસર રીતે વેપાર વેરાનું રિફંડ મળવાનું નીકળતું હતું. આ રિફંડની રકમ પરત કરવાની કાર્યવાહી કરવાના બદલામાં આરોપી નિલેશભાઈ પટેલે ફરિયાદી પાસેથી રૂપિયા 15,000/-ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક ACBનો સંપર્ક કર્યો હતો અને પોતાની ફરિયાદ નોંધાવી હતી. ACBએ ફરિયાદીની ફરિયાદને ગંભીરતાથી લઈને લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ગત તારીખ 20મી માર્ચ નારોજ ACBની ટીમે રાજ્યકર ભવન ખાતે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપી નિલેશભાઈ પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂપિયા 15,000 સ્વીકારી લીધી હતી અને તરત જ ACBની ટીમે તેમને રંગે હાથ પકડી પાડ્યા હતા.
આરોપી નિલેશભાઈ પટેલ રાજ્યવેરા વિભાગમાં વર્ગ-૨નાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને તેમનો માસિક પગાર રૂપિયા 86,000/- જેટલો છે. તેમછતાં તેઓ રૂ.15,000/-ની લાંચ લેતા ઝડપાતા સરકારી કર્મચારીઓમાં પણ ખળભળાટ મચી ગયો હતો. આ સફળ ટ્રેપિંગની કાર્યવાહી આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500