ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનાં સાતમા માળેથી ટીબીની બીમારીથી પીડાતા યુવાને મોતની છલાંગ લગાવીને આપઘાત કરી લેતાં સેકટર – 7 પોલીસ ઘટનાસ્થળે પહોંચી દોડી જઈ વધુ તપાસનો દોર શરૂ કર્યો છે. વહેલી સવારે કોઈપણ સમયે યુવાને સાતમા માળથી મોતનો ભૂસકો મારતાં પોલીસે સમગ્ર ઘટના અંગે ટીબી વોર્ડના કર્મચારીઓની પણ પૂછતાંછ હાથ ધરી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનાં ટીબી વોર્ડમાં પિયજ ગામનો વીસેક વર્ષીય રાહુલ ઈશ્વરજી ઠાકોર સારવાર અર્થે દાખલ હતો. આજે વહેલી સવારના રાહુલને વોર્ડના કેટલાક કર્મચારીઓએ જોયો પણ હતો. આ અરસામાં સાતમા માળેથી કોઈએ પડતું મુક્યું હોવાનું જાણીને કર્મચારીઓની નીચે દોડી ગયા હતા. ત્યારે માલુમ પડયું હતું કે, ટીબીની સારવાર અર્થે દાખલ રાહુલ ઠાકોરે મોતની છલાંગ લગાવી લીધી છે. બાદમાં ગંભીર ઈજાગ્રસ્ત રાહુલને તાત્કાલિક ઈમર્જન્સી વિભાગમાં લઈ જવાયો હતો. પરંતુ છેક સાતમા માળેથી નીચે પટકાવાથી રાહુલ મોતને ભેટયો હતો. આ બનાવના પગલે મૃતકના સગા વહાલા પણ દોડી આવ્યા હતા. જ્યારે વોર્ડના ફરજ પરના કર્મચારીઓએ ઉપરી અધિકારીને પણ જાણ કરી કરી દેવાઈ હતી.
બીજી તરફ બનાવની જાણ થતાં સેકટર – 7 પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અંગે પીએસઆઇ એ આર ચૌધરીએ કહ્યું કે, રાહુલ ઠાકોર ટીબી પેશન્ટ હોવાનું જાણવા મળ્યું છે. જે વોર્ડમાં દાખલ હતો. જેણે આજે સવારના કોઈપણ સમયે સાતમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. આ અંગે વધુ હાલમાં વધુ તપાસ – પૂછતાંછ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ ગાંધીનગરનાં સરગાસણની સીમમાં એચીવર સ્કુલ પાસેનાં છાપરામાં રહી ખેત મજુરી કરતા ધનજીભાઈ નામના વ્યક્તિએ પણ ચામડીની બીમારીથી કંટાળીને સિવિલનાં નવા બિલ્ડીંગના સાતમા માળેથી પડતું મુકી આપઘાત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500