ઝારખંડના પાટનગર રાંચીમાં એક મહિલા પોલીસકર્મીની ગાડીથી કચડીને હત્યા કરી દેવાઈ છે,આ ઘટના રાંચીના તુપુદાના પોલીસ મથક હદના હુલહૂંડુની છે. જે સમયે આ ઘટના ઘટી ત્યારે મહિલા સબ ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપનો વાહન ચેકિંગ કરી રહી હતી,અચાનક ત્યારે જ અપરાધીઓએ તેમને પિકઅપ વેનથી કચડી નાખ્યા. જેમાં તેમનું મોત નિપજ્યું.
આ ઘટના આજે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસની છે. એસઆઈની હત્યાની સૂચના મળ્યા બાદ પોલીસ મથક પ્રભારી સહિત અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. જોકે આરોપી હાલ પોલીસની પકડમાં આવી ગયો છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ફંફોળી રહી છે. ઘટનાની જાણકારી આપતા રાંચીના એસએસપીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને વાહન પણ જપ્ત કરાયું છે.
અત્રે જણાવવાનું કે આવો જ એક બનાવ ગઈ કાલે હરિયાણામાં બની ગયો. જ્યાં મેવાતના નુંહમાં ડીએસપી સુરેન્દ્ર સિંહની ખનન માફિયાએ હત્યા કરી નાખી. ત્યારબાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે ગયા હતા. આ દરમિયાન ડેપ્યુટી એસપી ઉપર ડમ્પર ચડાવી દીધુ અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. નૂંહના તવાડુના ડેપ્યુટી એસપી પદ પર સુરેન્દ્ર સિંહ તૈનાત હતા.
એવું કહેવાય છે કે સુરેન્દ્ર સિંહે પથ્થર ભરેલા એક ડમ્પરને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે જ ડ્રાઈવરે ડમ્પર તેમના પર ચડાવી દીધુ. અત્રે જણાવવાનું કે ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ આ વર્ષે રિટાયર થવાના હતા. પચગાંવના પહાડી વિસ્તારમાં ડેપ્યુટી એસપીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ તરત એક્શનમાં આવી અને આરોપીને એન્કાઉન્ટર દરમિયાન દબોચી લીધો. આરોપીને અથડામણમાં ગોળી પણ વાગી ત્યારબાદ પોલીસ કસ્ટડીમાં તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500