સુરતના આંગણે તા-૨૫થી ૨૯ નવેમ્બર સુધી આયોજિત ૭૫ સામૂહિક દીક્ષા મહોત્સવ-'સિહસત્વોત્સવ'ના દેશભરમાં વધામણા થઇ રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહાનુભાવોએ રાજશ્રી અભિવાદન કાર્યક્રમ અંતર્ગત ૭૫ દીક્ષાર્થીઓ તથા દીક્ષાધર્મના વધામણાં કર્યા હતાં, તેમજ સંયમમાર્ગે પ્રસ્થાન કરી રહેલા દીક્ષાર્થીઓના ત્યાગધર્મની અનુમોદના કરી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુરતમાં ૭૫ સામૂહિક દીક્ષા મહોત્સવમાં ત્યાગધર્મ અને રાજધર્મનો અનોખો સંગમ સર્જાયો હતો.
શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા 'ગુરૂયોગ' ની વાણીથી વૈરાગી બનેલા ૭૫ દીક્ષાર્થીઓના સામૂહિક દીક્ષા મહોત્સવના અવસરે સુરતના વેસુ સ્થિત બલર હાઉસ- 'અધ્યાત્મનગરી' ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ સુરતના એસએમસી, પોલીસમિત્રો, આરટીઓ, જીએસટી, રેલવે, એસટી, ઈન્કમટેક્સ, જિલ્લા સેવા સેવાસદન. જિલ્લા પંચાયતમાં કાર્યરત રાજ્ય અને કેન્દ્ર સરકારના ૪૦,૦૦૦ થી કર્મયોગીઓના પરિવારોમાં દીક્ષાધર્મનો સંદેશ પહોંચાડી મીઠાઈ અર્પણનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત જીવનનો મર્મ સમજાવતાં અંગ્રેજી પુસ્તક 'ANIHA'નું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરાયુ હતું.
આ પ્રસંગે ગુહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરતનગરીમાં ઈતિહાસ સર્જાયો છે, જેમાં કુલ ૭૫ જેટલા નાના બાળકથી લઈને યુવાનોએ દીક્ષાનો માર્ગ અપનાવ્યો છે. સુરતમાં આજે ચોતરફ દીક્ષાનો માહોલ સર્જાયો છે. સંસાર છોડીને સંયમનો માર્ગ અપનાવનાર આ દીક્ષાર્થીઓએ સમાજને ત્યાગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૌ સમાજ એક થઈને કાર્ય કરે એવો અનુરોધ કરતાં શ્રી સંઘવીએ કહ્યું કે, સમાજના છેવાડાના માનવીને સહાયરૂપ થવાં માટે હોસ્પિટલ અને શિક્ષણ એમ બે મિશનમાં આગળ વધી અને સમાજસેવા કરવાની જરૂરિયાત છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ ઉત્સવ ધાર્મિક ન રહેતાં ધાર્મિક સાથે સામાજિક ચેતના અને સેવા માટે નિમિત્ત બને એ માટે સુરતના એસએમસી, પોલીસમિત્રો, આરટીઓ, જીએસટી, રેલવે, એસટી, ઈન્કમટેક્સ, જિલ્લા સેવા સેવાસદન. જિલ્લા પંચાયતમાં કાર્યરત રાજ્ય અને કેન્દ્ર સરકારના ૪૦,૦૦૦ થી કર્મયોગીઓના પરિવારોમાં દીક્ષાધર્મનો સંદેશ પહોંચાડી મીઠાઈ અર્પણ ઉપરાંત ૧૦ હજારથી વધુ જરૂરિયાતમંદોના ઘરોમાં અનાજ કીટ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. દીક્ષાર્થીઓના વાયણામાં સામાન્ય માણસ પણ પોતાનો હિસ્સો દર્શાવી શકે એ માટે સાકર અર્પણ કાર્યક્રમનો પણ મુખ્યમંત્રીશ્રીએ શુભારંભ કરાવ્યો હતો. આ ઉમદા કાર્યમાં કોઇપણ વ્યક્તિ સાકર અર્પણ કરી શકશે અને એકત્ર થયેલી સાકરનું પાણી કરીને દીક્ષાર્થીઓ અંતિમ વાયણામાં ગ્રહણ કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500