સ્વાસ્થ્ય અને કલ્યાકારી કાર્યક્રમોના અમલીકરણ માટે ગુજરાત રાજયનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સતત રાત-દિવસ પ્રયત્નશીલ રહેતો હોય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણની આરોગ્યલક્ષી સેવાઓ છેવાડાના નાગરિકોને પૂરતી સારવાર અને સહાય પહોંચાડવાની સાથે અનેક નાગરિકોના જીવ બચાવવામાં સરકારી હોસ્પિટલની સેવા-સુવિધાઓ અને તબીબોની જહેમત આજે આશીર્વાદરૂપ બની રહે છે.
આવો જ કંઇક કિસ્સો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ સંતરામપુર તાલુકાના પાંચમુવા ગામના ૬૫ વર્ષિય વૃધ્ધ મહિલા દર્દી બેનીબેન કાનજીભાઇ ભાભોર સાથે.આ મહિલા દર્દી બેનીબેન પોતાનો પેટમાં દુ:ખાવો થતો હોવાથી બતાવવા માટે લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જયાં તેઓની તપાસ કરવામાં આવતાં પ્રાથમિક તપાસમાં તેમના પેટમાં ગાંઠ હોવાનું જણાઇ આવેલ હતું. દર્દી બેનીબેન ભાભોરના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થતાં તેણીની સારવાર સર્જરી વગર થઇ શકે તેમ નહોતી.
દર્દી બેનીબેન ભાભોરને આ બાબતે સમજ આપવામાં આવતાં તેણી સર્જરી માટે તૈયાર થતાં લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિટલમાં દાખલ થતાં આ સર્જરી પડકારરૂપ હોવા છતાં જનરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. જે. કે. પટેલના માર્ગદર્શન હેઠળ ડૉકટર સર્વ શ્રી ડૉ. આરતીબા જાડેજા, શ્વેતા પટેલ, અમીત ટેઇલર તેમજ એનેસ્થેસિયા ડૉ. ભાવિન, ડૉ. ચિરાગ ડામોર અને સ્ટાફ નર્સ શર્મિલાબેન, કલ્પનાબેન અને વિનુબેન સહિતથી ટીમ આ પડકારજનક ઓપરેશન હાથ ધરીને સફળતાપૂર્વક સર્જરી કરી મહિલા દર્દીના પેટમાંથી પાંચ (૫) કિલો ૬૦૦ ગ્રામની ગાંઠ બહાર કાઢીને ૬૫ વર્ષિય વૃધ્ધાને નવજીવન બક્ષ્યું હતું.
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા આપવામાં આવી રહેલ નિષ્ઠાપૂર્વકની સેવાઓ અને અનેક પડકારજનક તબીબી સર્જરીઓ કરવામાં આવી રહેલ હોઇ આજે લુણાવાડાની જનરલ હોસ્પિટલ બિમાર અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ અને દેવદૂત સમાન બની રહી છે. સંતરામપુર તાલુકાના પાંચમુવા ગામના ૬૫ વર્ષિય મહિલા બેનીબેન કાનજીભાઇ ભાભોરની સફળતાપૂર્વક સર્જરી પૂર્ણ કરવા બદલ અને સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી રહેલ સેવા-સુવિધાઓ તેમજ ડૉકટરોની ટીમની જહેમતને વૃધ્ધ મહિલા દર્દીના પુત્ર રમણભાઇ ભાભોરે બિરદાવી પોતાની માતાને નવજીવન આપવા બદલ સરકારી સેવાઓ-સુવિધાઓ પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500