જનકલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવેલી સરકારી યોજનાનો સામાન્ય જનતાને લાભ મળવાથી દેશમાં આમૂલ સામાજિક પરિવર્તન આવ્યું છે. સરકારે ખેડૂતો અને ગરીબો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને વિવિધ યોજના હેઠળ લાભાન્વિત કર્યા છે. ‘ઈ-શ્રમ કાર્ડ’ની મદદથી રજિસ્ટર્ડ શ્રમિકો દેશમાં ક્યાંય પણ, ગમે ત્યારે જૂદી-જૂદી સામાજિક સુરક્ષા યોજનાઓનો નિ:શુલ્ક લાભ લઈ રહ્યા છે. ગુજરાતમાં ૮૫,૮૨,૫૯૩ શ્રમિકોએ ઈ-શ્રમ કાર્ડ મેળવ્યા છે, જેમાં સુરતના ૭,૯૨,૮૦૬ શ્રમિકોનો પણ સમાવેશ થાય છે, જેમાં સુરત જિલ્લાના ૨,૧૧,૦૦૮ ખેડૂતોને ‘ઈ-શ્રમ કાર્ડ’ પણ આપવામાં આવ્યા છે. સુરત જિલ્લો સામાજિક સુરક્ષાની યોજનાઓનો લાભ અપાવવામાં અગ્રેસર રહ્યો છે.
દેશમાં મોટી સંખ્યામાં કામદારો-મજૂરો અસંગઠિત ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. ખેતમજૂરો સૌથી વધુ જીવના જોખમે કામ કરતા શ્રમિકો છે. શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે ઈ-શ્રમ કાર્ડ દ્વારા દરેક પરિવારને વાર્ષિક રૂ.બે લાખના આકસ્મિક વીમાનો લાભ આપવાની જોગવાઈ કરી છે. કામના સમયે કામદાર અકસ્માતનો ભોગ બને તો તેના મુત્યુ અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂ.બે લાખ અને અંશત: રૂપથી વિકલાંગતાના કિસ્સામાં રૂ.એક લાખની સહાય મળવાપાત્ર છે.
આપણી આસપાસ જોવા મળતા કોઈ પણ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. ‘ઈ-શ્રમ કાર્ડ’ માટે ૧૬ થી ૫૯ વર્ષની કોઈપણ વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન ઈ-શ્રમ પોર્ટલ https://eshram.gov.in/ દ્વારા જાતે પણ થઈ શકે છે અથવા તો નજીકના કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) પર જઈને તદ્દન ફ્રીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. ઈ-શ્રમ કાર્ડમાં ૧૨ આંકડાનો યુનિવર્સલ અકાઉન્ટ નંબર જનરેટ થશે અને આ કાર્ડ સમગ્ર દેશમાં દરેક જગ્યાએ માન્ય રહેશે. નોંધણી માટે આધાર કાર્ડ, મોબાઈલ નં. અને બેંક ખાતુ હોવું જરૂરી છે. ભવિષ્યમાં ‘વન નેશન, વન રેશન કાર્ડ’ યોજના હેઠળ લિન્કિંગ થવાથી આવા શ્રમિકોને દેશના કોઈ પણ રાજ્યના શહેર-ગામમાંથી અનાજ પૂરવઠો મળી શકશે., ઈ-શ્રમ કાર્ડ થકી ભવિષ્યમાં તેમની રોજગાર મળવાની તકો નોંધપાત્ર રીતે વધી જાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500