Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાપાનનો 5 દિવસીય શૈક્ષણિક પ્રવાસ કરી વલસાડ જિલ્લાના ઉમરગામના ફણસાનો વિદ્યાર્થી પરત ફર્યો

  • July 31, 2024 

ભારત સરકારના ઇન્સ્પાયર એવોર્ડ માનાંક પ્રોજેક્ટ- સકુરા એક્સચેન્જ પ્રોગામ અંતર્ગત ગુજરાતમાંથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળાના વિદ્યાર્થી જૈનિલ યોગેશભાઈ માંગેલાના ‘‘બિચ ક્લિનર’’ પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ હતી. જે સંદર્ભે તાજેતરમાં જાપાન ખાતે યોજાયેલા પ્રોગામમાં ગરીબ પરિવારના તેજસ્વી વિદ્યાર્થી જૈનિલે પોતાનો પ્રોજેક્ટ રજૂ કરી વલસાડ જિલ્લાનું ગૌરવ આંતરરાષ્ટ્રીય ફલક પર વધાર્યુ છે. જાપાનના શૈક્ષણિક પ્રવાસમાં જુદા જુદા રાજ્યમાંથી ૨૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૮ દિવસના આ શૈક્ષણિક પ્રવાસમાં જાપાનના જુદા જુદા સ્થળો, યુનિવર્સિટીઓ, મ્યુઝિયમ, સ્કૂલ અને મોલ વગેરેની મુલાકાત લેવામાં આવી હતી.


પ્રથમ દિવસે જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી એજન્સીની મુલાકાત લીધી હતી. ત્યારે કોરિયા અને થાઈલેન્ડ સહિતના અન્ય દેશના વિદ્યાર્થીઓએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે માહિતી મેળવી હતી ત્યાં તેમને એજ્યુકેશનલ પઝલ સોલ્વ કરવા આપી હતી. જાપાનનું સૌથી પ્રાચીન મંદિર (Asakusa Temple)ના દર્શન કર્યા હતા. ત્યારબાદ ૧૮૫૭માં નિર્માણ થયેલી જાપાનની પ્રથમ The University of Tokyoની વિઝિટ લીધી હતી. તમામ વિદ્યાર્થીઓ AIST રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં ગયા હતા ત્યારે પ્રોફેસરે તેમને ગ્લોબલ વોર્મિંગ, થર્મલ પાવર પ્લાન્ટ, ઈલેક્ટ્રીક એનર્જી, અને એડવાન્ટેજ ઓફ ફ્યુલ સેલ પર ચર્ચા કરી જુદી જુદી ટેકનોલોજી અને ફ્યુચર ટેકનોલોજી વિશે માહિતી આપી હતી.


ત્યારબાદ AISTના રિસર્ચ રૂમની મુલાકાતે લઈ ગયા હતા જ્યાં અદભૂત ટેકનોલોજી નિહાળી વિદ્યાર્થીઓ અચંબામાં પડી ગયા હતા. ત્યારબાદ Tsukuba Space Centreમાં લઇ જવાયા હતા જ્યાં સ્પેસના વિવિધ મોડલો બતાવવામાં આવ્યા હતા. જાપાનની સોફિયા યુનિવર્સિટીમાં જુદી જુદી લેબની મુલાકાત લીધી હતી. જેમાં હાલની સ્થિતિ અને ભવિષ્યની શક્યતા, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ એજન્ડા, ડિપ બ્લ્યુ, સેલ્ફ ડ્રાઈવિંગ કાર સહિતના અત્યાધુનિક પ્રોજેક્ટ બતાવવામાં આવ્યા હતા. આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન Urwa Girls upper secondary schoolની મુલાકાતે તમામ વિદ્યાર્થીઓને લઈ જવાયા હતા.


જ્યાં લેબમાં પ્રયોગ કરાવવામાં આવ્યા હતા. જાપાનના વૈજ્ઞાનિક Dr. Kaiita Takaakiએ જુદી જુદી ટેકનોલોજી અને ફ્યુચર ટેકનોલોજી વિશે માહિતી આપી હતી. ટોક્યોમાં આવેલા Miraikan Museumની મુલાકાત દરમિયાન વિવિધ ટેકનોલોજી, ફ્યુચર મોડલો બતાવવામાં આવ્યા હતા. પૂર્ણાહૂતિ સમારોહમાં વિવિધ દેશની એમ્બેસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જુદા જુદા દેશના વિદ્યાર્થીઓએ વકતવ્ય આપ્યુ હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા. આ સાથે જ પોત પોતાના દેશની સંસ્કૃતિના દર્શન કરાવતી કૃતિ પણ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application